New Delhi,તા.17
સાકિબની જેમ તેના સાથી 24 વર્ષીય ફાસ્ટ બોલર પ્રફુલ હિંગેએ પણ ડેબ્યૂ મેચની પ્રથમ ઓવરમાં જ 3 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો. આ સફળતા પાછળ એક લાંબી તપસ્યા છુપાયેલી છે. એક સમય એવો પણ હતો જ્યારે તેમની પાસે પૈસા નહોતા, ત્યારે બહેને તેમને પોતાનાં પહેલા પગારમાંથી `સ્પાઇક્સ’ (ક્રિકેટના ખાસ બૂટ) અપાવ્યા હતા.
નાગપુરના એક સાધારણ ઘરમાં ઉછરેલા પ્રફુલ શરૂઆતમાં બેટ્સમેન બનવા માંગતા હતા. પરંતુ પિતા પ્રકાશ હિંગે, જેઓ પોતે ક્યારેક ફાસ્ટ બોલર હતા, તેમણે પ્રફુલની શારીરિક બાંધણી જોઈને તેના હાથમાં બોલ પકડાવી દીધો.
આ નિર્ણય ત્યારે ભલે ભારે લાગ્યો હોય, પરંતુ આજે તે જ તેની ઓળખ બની ગયો છે. 13 વર્ષની ઉંમરમાં પિતાએ તેને સ્થાનિક જિમખાના ક્લબમાં દાખલ કરાવી દીધો હતો. ત્યાં સુધી તે લેધર બોલ ક્રિકેટ વિશે પણ જાણતો નહોતો, પછી એ જ મેદાન તેનું જીવન બની ગયું. માતા ક્રિકેટ વિશે કંઈ જાણતા નહોતા, તેઓ ફક્ત ફોન પર સ્કોર ચેક કરીને શીખતા રહ્યા.
બહેન, જે મહારાષ્ટ્રમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ચૂકી છે, તે આખી રાત વાંચતી રહેતી. પ્રફુલ કહેતો- લાઈટ બંધ કરી દો, પરંતુ બહેનની ચોપડીઓ ખુલ્લી રહેતી. ક્યારેક એ જ બહેન સવારે વહેલા સાયકલ પર પ્રફુલને એકેડેમી સુધી છોડવા માટે જતી. પ્રફુલની સફળતા પાછળ પરિવારનું આ સમર્થન અને ત્યાગ છે.
એક પોસ્ટથી લાખો કમાવવાની તક
ક્યારેક બૂટ માટે તરસેલા હિંગે હવે એક બ્રાન્ડ સંબંધિત પોસ્ટ કરીને 2.5 લાખથી પણ વધુ કમાઈ શકે છે. જિગ્સોક્રાફ્ટ ડેટા મુજબ, 4.34 લાખ ફોલોઅર્સ સાથે હિંગેએ મિડ-ટિયર કેટેગરીને પાર કરી લીધી છે. સારી બ્રાન્ડ્સ આ સ્તરના ઈન્ફ્લુએન્સરને પ્રતિ પોસ્ટ 75 હજારથી 2.5 લાખ સુધીની ચૂકવણી કરે છે.
રસપ્રદઃ 14000 ટકા ફોલોઅર્સ વધ્યા
પ્રફુલ હિંગેએ સોમવારે મેચ બાદ જેવી પ્રેઝન્ટેશનમાં વાત પૂરી કરી, ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ 3000 થી વધીને 1.61 લાખ સુધી પહોંચી ગયા હતા. મંગળવાર રાત સુધીમાં તેના ફોલોઅર્સ 4.34 લાખ થઈ ચૂક્યા હતા. આ 14000 ટકાથી વધુનો વધારો છે.

