સમય મર્યાદામાં રકમ ન ચૂકવે તો ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટે હુકમ
Rajkot,તા.05
ફેમિલી હેલ્થ ઇન્સ્યોરન્સના કિસ્સામાં મહિલા વીમાધારકને માઈગ્રેનની બીમારી થયેલો સારવાર ખર્ચ 6 ટકા વ્યાજ સહિત ચૂકવી દેવા અને સમય મર્યાદામાં ન ચૂકવે તો ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટે હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરમા રહેતા મનીષાબેન ઉમેશભાઈ હાપલીયાએ ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ કો.લી. પાસેથી રૂા.૫ લાખની ફેમિલી હેલ્થ વીમા પોલિસી લીધેલ હતી.ત્યારબાદ ફરીયાદીને માઈગ્રેન બિમારી થતાં શુભમ હોસ્પિટલ રાજકોટમાં દાખલ કરવામાં આવેલ અને તેમાં થયેલ તબીબી સારવાર ખર્ચની રકમની ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ કું.લી. પાસે માંગણી કરેલ, પરંતુ વીમાકંપની દ્વારા રેપ્યુડ લેટરથી ફરીયાદીના બિલમાં ડિસ્ક્રિપ્શન હોવાને લઈને ચુકવવાનો ઈન્કાર કરેલ હતો, જેથી ફરીયાદીએ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી. જેમાં ફરીયાદીના એડવોકેટ દ્વારા ફરીયાદીના બિલમાં ખામી હોવાનું જણાવી વીમાકંપનીએ તબીબી સારવાર ખર્ચની રકમ ચુકવવાનો ઈન્કાર કરેલ તે કાયદા વિરુધ્ધનું અને ખોટું ભૂલભરેલ તથા અયોગ્ય હતું. તથા લેખિત, મૌખિક દલીલ અને વિવિધ જજમેન્ટો રજુ કરેલ. જેથી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા ફરીયાદ માન્ય રાખી વીમાકંપનીને તબીબી સારવાર ખર્ચની રકમ ફરીયાદીને અરજી દાખલ કરેલ તારીખથી રકમ વસુલ મળતા સુધી ૬ ટકા ચડત વ્યાજ સહિત ચુકવવા તથા વધુમાં જો નિયત સમય મર્યાદામાં રકમ ન ચુકવે તો ૬ ટકાના બદલે ૯ ટકાના ચડત વ્યાજ ચુકવવાનું રહેશે તથા ફરીયાદ ખર્ચ સહિતની રકમ ચુકવવા ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ કં.લી. વીમાકંપનીને હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદીના એડવોકેટ તરીકે કેવિન એચ. તાડા તથા મેઘજી આર. માટીયા રોકાયા હતા.

