Mumbai,તા.16
બોલિવૂડમાં ‘ધ કોમેડી ઓફ એરર્સ’ જેવાં જોનર માટે ‘પતિ પત્ની ઔર વો’ વાળો એન્ગલ હંમેશાથી ફિલ્મ નિર્માતાઓનો મનપસંદ રહ્યો છે. આ જ કારણ છે કે આ જોનર પર રંગ બિરંગી, પતિ પત્ની ઔર વો, જેવી ઘણી ફિલ્મો બની છે.
આ જ વિષય પર 2019માં મુદસ્સર અઝીઝ નિર્દેશિત ‘પતિ પત્ની ઔર વો’ ખૂબ હિટ રહી હતી. તે જ સફળતાને કેશ કરવા માટે મુદસ્સર અઝીઝ ‘પતિ પત્ની ઔર વો દો’ લઈને આવ્યાં છે, પરંતુ અફસોસ કે નબળી સ્ક્રિપ્ટ, લાઉડ કોમેડી અને લોજિકના અભાવને કારણે આ હસાવવા વાળી ફિલ્મ એક ફેમિલી એન્ટરટેઇનર બનતા-બનતા રહી ગઈ.
વાર્તા પ્રયાગરાજના ફોરેસ્ટ વિભાગનાં ઇન્ચાર્જ પ્રજાપતિ પાંડે (આયુષ્માન ખુરાના) ની છે, જે પોતાની પત્રકાર પત્ની અપર્ણા (વામિકા ગબ્બી) સાથે ખુશહાલ જીવન જીવી રહ્યો હોય છે. તેમના જીવનમાં ત્યારે હલચલ થાય છે, જ્યારે બનારસથી પ્રજાપતિની જૂની મિત્ર ચંચલ (સારા અલી ખાન) મદદ માંગવા આવે છે અને થોડા દિવસો માટે તેનો નકલી બોયફ્રેન્ડ બનવા માટે કહે છે.
નિર્દેશક મુદસ્સર અઝીઝની આ સિક્વલ એક ફેમિલી કોમેડીનું વચન આપે છે અને અમુક અંશે તેના પર ખરી પણ ઉતરે છે. ફિલ્મમાં ઘણાં તર્ક વગરના પરંતુ મનોરંજક દ્રશ્યો છે, જે હસાવે છે, જો કે વાર્તાની મૂળભૂત નબળાઈઓ તેને સંપૂર્ણપણે અસરકારક બનતા અટકાવે છે. પહેલો ભાગ ઘણો સપાટ છે.
સેક્નડ હાફમાં વાર્તા ગતિ પકડે છે અને કોમેડી ઓફ એરર્સથી પેદા થતી મૂંઝવણ ઘણી જગ્યાએ દર્શકોને હસાવવામાં સફળ રહે છે. કેટલાક વન-લાઇનર્સ ખરેખર રમુજી બન્યાં છે. ટ્રીટમેન્ટ ઘણી જગ્યાએ જરૂરિયાત કરતાં વધુ લાઉડ એટલે કે અતિશયોક્તિભરી લાગે છે.
નિર્દેશક પાત્રોને અપેક્ષિત ઊંડાણ આપી શક્યાં નથી. સંગીતની વાત કરીએ તો ‘હમને દિલ વહીં લગાયા’ અને ‘રૂપ દી રાની’ જેવા ગીતો જ યાદ રહી જાય છે. પરંતુ બે કલાકથી ઓછો તેનો રનટાઇમ તેને કંટાળાજનક થવાથી બચાવી લે છે. આખી ફિલ્મ આયુષ્માન ખુરાનાના ખભા પર ટકેલી છે, જેને તેણે પોતાની અદભુત કોમિક ટાઇમિંગથી મજબૂતીથી ઉપાડી લીધી છે.
અપર્ણાના રોલમાં વામિકાને ફિલ્મમાં સારો એવો સ્ક્રીન ટાઇમ મળ્યો છે, જેનો તેણે પૂરો ફાયદો ઉઠાવીને પોતાની ભૂમિકાને યાદગાર બનાવી છે. સારા અલી ખાન ચંચલની નૌટંકી વાળી ભૂમિકામાં એકદમ ફિટ બેસે છે. રકુલ પ્રીત નીલોફરની ભૂમિકા સાથે પૂરો ન્યાય કરે છે. સહાયક કલાકારોમાં વિજય રાઝ, તિગ્માંશુ ધૂલિયા અને વિજય વશિષ્ઠ મનોરંજનની પળોમાં ઉમેરો કરે છે, પરંતુ બુઆજીના રોલમાં આયશા રઝા ખૂબ હસાવે છે.
ફિલ્મ શા માટે જોવી જોઈએ
કોમેડી અને પારિવારિક ફિલ્મોનાં શોખીનો આ ફિલ્મ એક વાર જોઈ શકે છે.
રેટિંગ : 5 માંથી 2.5 સ્ટાર
નિર્દેશક : મુદસ્સર અઝીઝ
કલાકારો : આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, વામિકા ગબ્બી, વિજય રાઝ વગેરે
સમયગાળો : 1 કલાક 57 મિનિટ
જોનર : રોમેન્ટિક-કોમેડી

