Ahmedabad,તા.૨
આઈપીએલ ૨૦૨૫ની બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે ધમાકેદાર જીત મેળવી. તેણે પાંચવારના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા મેળવી. હવે પહેલીવાર ટ્રોફી જીતવા માટે આ મેદાન પર ૩ જૂનના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)ને હરાવવી પડશે. પંજાબ માટે કેપ્ટન શ્રેયસ ઐય્યરે યાદગાર ઈનિંગ રમી, તેણે ૪૧ બોલમાં અણનમ ૮૭ રન કર્યા અને ટીમને જીત અપાવી.
પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ બાદ તરફ વરસાદ પડ્યો અને મેચ ૨.૧૫ કલાક મોડી શરૂ થઈ. મુંબઈએ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માના ૪૪-૪૪ રનની મદદથી ૨૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૨૦૩ રન કર્યા. જવાબમાં પંજાબે ૧૯ ઓવરમાં ૫ વિકેટના નુક્સાને ૨૦૭ રન કરીને મેચ જીતી લીધી. આ સાથે પંજાબે આઈપીએલમાં ઈતિહાસ પણ રચી નાખ્યો. ટુર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે મુંબઈ વિરુદ્ધ કોઈ ટીમે ૨૦૦ રન કે તેનાથી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. આ અગાઉ મુંબઈની ટીમ ૧૮ વખત ૨૦૦+નો સ્કોર કરીને જીતી હતી. પહેલીવાર ૨૦૦ રન કરવા છતાં હારનો સામનો કરવો પડ્યો.
શ્રેયસે પોતાની કેપ્ટનશીપમાં પંજાબને ફાઈનલમાં પહોંચાડીને ઈતિહાસ રચી નાખ્યો. તે ત્રણ અલગ અલગ ટીમોને આઈપીએલની ફાઈનલમાં પહોંચાડનારો પહેલો કેપ્ટન બન્યો. આ અગાઉ તેણે ૨૦૨૦માં દિલ્હી કેપિટલ્સને ખિતાબી મુકાબલા સુધી પહોંચાડી હતી. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સે તેમને હરાવીને ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ૨૦૨૪માં તેણે કોલકાતા નાઈડરાઈડર્સને ફાઈનલ સુધી પહોંચાડી હતી અને સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ખિતાબ જીત્યો હતો.
અમદાવાદનું આ સ્ટેડિયમ મુંબઈ ઈન્ડિયન્સ માટે હજુ સુધી લકી સાબિત થયું નથી. ટીમ અહીં સતત છ મેચ હારી છે.
પંજાબ કિંગ્સે ૨૦૪ રનના ટાર્ગેટને હાંસલ કરીને સ્પેશિયલ રેકોર્ડ બનાવ્યા છે. તેણે આઈપીએલ પ્લેઓફ કે નોકઆઉટમાં સૌથી મોટો સ્કોર ચેઝ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
– પંજાબે આઠમી વખત આઈપીએલમાં ૨૦૦+ નો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આવું કરનારી તે પહેલી ટીમ છે.
– આ આઈપીએલ સીઝનમાં નવમી વખત ૨૦૦+ નો ટાર્ગેટ કોઈ ટીમે ચેઝ કર્યો છે. કોઈ પણ આઈપીએલ સીઝનમાં પહેલીવાર આવું બન્યું છે.