Jetpur,તા.25
પૌત્રના ઓપરેશનની ખબર પૂછવા નીકળેલા વૃદ્ધા સરનામું ભૂલ્યા; જેતપુર અભયમ્ ટીમે ચોકસાઈપૂર્વક તપાસ કરી વીરપુર ખાતે દીકરાને સુપરત કર્યા
રસ્તો ભૂલા પડીને અસહાય બનેલા એક ૮૫ વર્ષના વૃદ્ધ મહિલા માટે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પોતાના પરિવારનું ચોક્કસ સરનામું ન હોવા છતાં, અભયમ્ ટીમની સૂઝબૂઝ અને સરાહનીય પ્રયાસોના કારણે આ વૃદ્ધાને હેમખેમ તેમના દીકરા સાથે મિલન કરાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
ઘટનાની વિગત એવી છે કે, જેતપુર ખાતે એક પેટ્રોલ પંપ પાસે એક વયોવૃદ્ધ મહિલા લાકડીના (ઘોડીના) સહારે રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ ભારે અસમંજસ સ્થિતિમાં હતા અને ક્યાં જવું તેની તેમને ગતાગમ નહોતી. આ દ્રશ્ય જોઈને એક જાગૃત નાગરિકે તાત્કાલિક ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરીને મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ જેતપુર સ્થિત ૧૮૧ અભયમ્ ટીમની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં કાઉન્સેલર જીગ્નાશાબેન, મહિલા કોન્સ્ટેબલ રજનીબેન તથા પાયલોટ સંજયભાઈએ વૃદ્ધાને સુરક્ષિત આશરો આપી શાંતિપૂર્વક વાતચીત શરૂ કરી હતી.
અભયમ્ ટીમ દ્વારા પૂરતી ધીરજ અને સ્નેહપૂર્વક કાઉન્સેલિંગ કરતા વૃદ્ધાએ જણાવ્યું કે, તેઓ તેમના દીકરાના દીકરા (પૌત્ર) નું ઓપરેશન કરાવ્યું હોવાથી તેની ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા. પરંતુ વાહનમાંથી ઉતર્યા બાદ તેઓ રસ્તો ભૂલી ગયા હતા. ઉંમર આશરે ૮૦ થી ૮૫ વર્ષની હોવાને કારણે તેમને પોતાનું પૂરું સરનામું કે પરિવારના સભ્યોના ફોન નંબર યાદ નહોતા. પ્રાથમિક પૂછપરછ બાદ ટીમે વધુ વિગતો મેળવવા પ્રયાસ કર્યો હતો.
વૃદ્ધાએ તૂટક-તૂટક વિગતો આપતા જણાવ્યું કે, તેમની દીકરી જૂનાગઢ પાસેના એક ગામમાં, એક દીકરો ગોંડલમાં અને બીજો દીકરો વીરપુરમાં રહે છે, જ્યારે પૌત્ર રાજકોટમાં છે. ચોક્કસ લોકેશન ન હોવાથી અભયમ્ ટીમના મહિલા કોન્સ્ટેબલે તાત્કાલિક સંબંધિત પોલીસ સ્ટેશનોનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વીરપુર સરકારી હોસ્પિટલ પાસે તેમનો એક દીકરો રહે છે જે માલ-ઢોર ચરાવવાનું કામ કરે છે. વૃદ્ધાએ જણાવેલું નામ અને આ વિગતો મેચ થતાં જ જેતપુર અભયમ્ ટીમે તાત્કાલિક સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવી વૃદ્ધાને સરકારી વાહનમાં વીરપુર ખાતે લઈ ગઈ હતી.
વીરપુરના ધરાજાર વિસ્તારમાં સ્થાનિક સ્તરે સઘન તપાસ કરતા આખરે વૃદ્ધાના દીકરાનો પતો મળી ગયો હતો. ૧૮૧ ની ટીમે વિખૂટા પડી ગયેલા માતાને તેમના દીકરા સાથે મિલાવ્યા હતા. દીકરાને સોંપણી કરવાની સાથે જ અભયમ્ ટીમે પરિવારને વૃદ્ધ માતાની યોગ્ય સાર-સંભાળ રાખવા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી માર્ગદર્શન અને સલાહ-સૂચનો આપ્યા હતા. વયોવૃદ્ધ માતાને હેમખેમ પરત મેળવતા દીકરા અને સ્વયં વૃદ્ધાની આંખો હર્ષથી ભીંજાઈ ગઈ હતી અને તેમણે ૧૮૧ અભયમ્ ટીમની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
૧૮૧ અભયમ્ ટીમની અપીલ: કોઈપણ મહિલા મુશ્કેલીમાં હોય, માનસિક મુશ્કેલી અનુભવતી હોય કે કોઈ વડીલ રસ્તો ભૂલા પડ્યા હોય ત્યારે જાગૃત નાગરિક તરીકે તાત્કાલિક ૧૮૧ હેલ્પલાઇનનો સંપર્ક કરવો જેથી સમયસર મદદ પહોંચાડી શકાય.

