રૂચિકા ફ્લેટના ચેરમેન દ્વારા છેતરપિંડીની ફરિયાદ
Ahmedabad,તા.૧૧
અમદાવાદના પરિમલ ચાર રસ્તા પાસેના રૂચિકા ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે ૮૮ વર્ષીય ચેરમેન ભુપેન્દ્ર સાહેબા સાથે ૨.૨૬ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. સેક્રેટરી રાજેશ શેખર મારફતે હેતલ એન્ટરપ્રાઇઝના જતીન ભાવસારે એડવાન્સ લીધા બાદ એક મહિનામાં કામ પૂર્ણ કરવાનો વાયદો કર્યો હતો. જોકે, કામ ન થતાં અને પૈસા પરત ન મળતા, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના પરિમલ ચાર રસ્તા નજીક આવેલા રૂચિકા ફ્લેટના ચેરમેન દ્વારા એલિસબ્રિજ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ૮૮ વર્ષીય ભુપેન્દ્ર સાહેબા નામના ફરિયાદીએ જણાવ્યું છે કે સોસાયટીમાં સોલર પેનલ લગાવવાના નામે તેમની સાથે ૨.૨૬ લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે. વર્ષ ૨૦૨૫માં ફ્લેટમાં સોલર સિસ્ટમ લગાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત સોસાયટીના સેક્રેટરી રાજેશ શેખરે એક જાહેરાત વાંચીને હેતલ એન્ટરપ્રાઇઝના સંચાલક જતીન ભાવસારનો સંપર્ક સાધ્યો હતો.
આરોપી જતીન ભાવસારે કામગીરી માટે બે અલગ-અલગ કોટેશન આપ્યા હતા. જેમાં રુચિકા ફ્લેટના કોમન વપરાશ માટે ૩.૪૦ લાખ રૂપિયા અને સેક્રેટરી રાજેશ શેખરના વ્યક્તિગત ઉપયોગ માટે ૨.૨૫ લાખ રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ સોદા પેટે સોસાયટીના ફંડમાંથી ૧.૩૬ લાખ રૂપિયા તેમજ રાજેશ તરફથી ૯૦ હજાર રૂપિયા મળીને કુલ ૨.૨૬ લાખ રૂપિયા જતીનને એડવાન્સ તરીકે ચૂકવી દેવામાં આવ્યા હતા.
રૂપિયા સ્વીકાર્યા બાદ આરોપી જતીને એક મહિનાની અંદર સોલર પેનલ ઇન્સ્ટોલ કરી આપવાનો વાયદો કર્યો હતો. જોકે, આ સમયગાળો પૂર્ણ થવા છતાં કામગીરી શરૂ કરવામાં આવી ન હતી. સોસાયટીના હોદ્દેદારો દ્વારા વારંવાર રજૂઆત અને ઉઘરાણી કરવા છતાં, જતીને ન તો સોલર પેનલ લગાવી આપી કે ન તો લીધેલી એડવાન્સ રકમ પરત કરી. આખરે કંટાળીને સોસાયટીના ચેરમેન ભુપેન્દ્રભાઈએ કાયદાકીય રાહે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જતીન ભાવસાર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

