ગુજરાતની ન્યાયપ્રણાલીના ઇતિહાસમાં એક અત્યંત ઝડપી અને ઐતિહાસિક ચુકાદો
Gandhinagar, તા.૧૫
ગુજરાતની ન્યાયપ્રણાલીના ઇતિહાસમાં એક અત્યંત ઝડપી અને ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. કલોલની સેશન્સ કોર્ટે ચાર્જશીટ રજૂ થયાના માત્ર ૪૮ કલાકની અંદર અને પ્રત્યક્ષ કોર્ટ કામગીરીના ગણતરીના ૧૫ કલાકમાં પોક્સો કેસનો તમામ કાનૂની તબક્કો પૂર્ણ કરી આરોપીને દોષિત ઠેરવ્યો છે. ત્રીજા સેશન્સ જજ બી. આર. રાજપૂતની અદાલતે આ સત્વરે સુનાવણી બાદ આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૨ લાખના દંડની સજા સંભળાવી છે.
આ કેસની વિગત મુજબ, મૂળ બિહારના અરરિયા જિલ્લાનો અને હાલ કલોલના સાંતેજ-વડસર રોડ પર સ્થિત જેડીએસ કાસ્ટઇંગ કંપનીમાં રહેતો ગુફરાન મોજાહિદ પઠાણ નામનો યુવક એક સગીરાને લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી લઇ ગયો હતો. ત્યારબાદ લગ્નની લાલચ આપી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. કેસ અદાલતમાં પહોંચતાં જ સરકારી વકીલ જિગ્નેશ એચ. જોષીએ ત્વરિત કાર્યવાહી કરી માત્ર એક દિવસમાં તમામ મહત્વના સાક્ષીઓની જુબાની નોંધાવી દલીલો રજૂ કરી હતી. મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણીના આધારે અદાલતે ચુકાદો આપ્યો હતો.ચુકાદો આપતાં કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે કાયદાનો મુખ્ય હેતુ બાળકો ભયમુક્ત વાતાવરણમાં ઉછરીને જવાબદાર નાગરિક બને તે સુનિશ્ચિત કરવાનો છે. જો માસૂમો પર અત્યાચાર ચાલુ રહેશે તો તંદુરસ્ત સમાજની કલ્પના શક્ય નથી.

