New Delhi તા.19
દેશમાં આવારા કુતરાઓના ત્રાસ તેમજ બાળકોથી લઈ વૃદ્ધો પર થઈ રહેલા જીવલેણ હુમલા સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે દેશભરમાંથી તમામ જાહેર સ્થળો પરથી આ પ્રકારના આવારા કુતરાઓને દુર કરવાના અગાઉ ગત વર્ષે આપેલા ચુકાદામાં કોઈપણ ફેરફાર કરવાનો ઈન્કાર કરતા જણાવ્યું હતું કે, જરૂર પડે જે કુતરાઓ માનવી પર હુમલો કરવા ટેવાયેલા હોય અને હિંસક બની ગયા હોય તેઓને મોતનું ઈન્જેકશન આપીને કાયમ માટે તેનો ત્રાસ દુર થાય તે પણ નિશ્ચિત કરવાનું રહેશે.
જીવદયા ક્ષેત્રે કામ કરતી ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા નવેમ્બર 2025ના ચુકાદામાં ફેરવિચારણા કરવા સુપ્રીમકોર્ટમાં કરાયેલી અરજી નકારી કઢાઈ છે. સર્વોચ્ચ અદાલતે આવારા કુતરાઓને માટે સેલ્ટર બનાવવા તથા તેમની નસબંધી કરવા સહિતના આદેશ આપ્યા હતા.
આજે તેના આદેશને યથાવત રાખતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે દેશના અલગ અલગ ભાગોમાં જે રીતે આવારા કુતરાઓની વસ્તી વધતી જાય છે તથા વિદેશીઓ સહિત બાળકો અને વૃદ્ધો પર પણ હુમલા થાય છે તેના પર અમે આંખ મીંચી શકીએ નહી.
સરકારે આ પ્રકારની સ્થિતિને ડામવા માટે શાળા-કોલેજો-હોસ્પીટલો-રેલ્વે તથા બસસ્ટેશનો તથા જાહેર સંસ્થાઓ તથા માર્ગો જયાં પણ આવારા કુતરા હોય તેને દુર કરવાના રહેશે.
સુપ્રીમકોર્ટે નોંધ્યું કે, આવારા કુતરાઓ એ ગંભીર જાહેર સલામતીનો મુદો બની ગયો છે. દેશભરમાંથી વૃદ્ધો અને બાળકો પર હુમલાના અને તેમને ફાડી ખાધા હોય તેવી પણ ઘટનાઓ સામે આવી છે અને પરીસ્થિતિ એટલી ખરાબ છે કે એરપોર્ટ તથા હાઈપ્રોફાઈલ રેસીડેન્સીયલ ક્ષેત્રમાં પણ આ ત્રાસ વધી ગયો છે.
સુપ્રીમકોર્ટે સરકારની નબળી કામગીરી પર ટીકા કરતા કહ્યું કે દેશની સરકારો કેમ તમાશા જોઈ રહી છે. જાણે જંગલરાજ હોય તેવું લાગે છે. બાળકો અને વૃદ્ધોને કુતરાઓની દયા પર છોડી દેવામાં આવ્યા છે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, દરેક નાગરિકને ભય વગર ફરવાનો અધિકાર છે અને તે બંધારણની કલમ 21 હેઠળ મૂળભૂત અધિકારનો જ ભાગ છે. સર્વોચ્ચ અદાલતે આ અંગે જે નિર્દેશ આપ્યા તેમાં હિંસક કુતરાઓને દયા મૃત્યુ એટલે કે ઝેરી ઈન્જેકશન આપીને ખતમ કરવા પણ જણાવ્યું હતું.
દેશની તમામ રાજય સરકારોએ આ કામગીરી અને રખડતા કુતરાઓને દુર કરવાનું જમીની સ્તર પર કામ કરવાનું રહેશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક એનીમલ બર્થ કન્ટ્રોલ સેન્ટર બનાવવાનું રહેશે.
વધુ વસ્તી હોય ત્યાં વધારે સેન્ટર બનાવવાના રહેશે. જાહેર માર્ગો પર કુતરાઓને કયારે ખસેડી શકાશે તેની સમય મર્યાદા નકકી કરીને તે મુજબ કામગીરી કરવાની રહેશે. હોસ્પિટલોમાં હડકવા વિરોધી દવાઓનો પુરતો સ્ટોક રાખવાનો રહેશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રખડતા ઢોરને પણ દુર કરવાના રહેશે અને આ કામગીરી કરનાર અધિકારીઓને તથા કર્મચારીઓને સુરક્ષા પણ અપાશે.
સુપ્રીમની વિસ્તૃત ગાઈડલાઈન
♦ જાહેર સ્થળોથી આવારા કુતરાઓને દુર કરવા સમય મર્યાદા નિશ્ચિત કરો.
♦ હોસ્પિટલોમાં હડકવા વિરોધી દવાઓનો પુરતો સ્ટોક રાખો.
♦ નેશનલ હાઈવે પરથી રખડતા પશુઓને પણ દુર કરો.
♦ દરેક જિલ્લામાં એનીમલ બર્થ કન્ટ્રોલ સેન્ટર ફરજીયાત.
♦ આ કામ કરનાર અધિકારીઓ તથા કર્મચારીઓને પુરતુ રક્ષણ, કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નહી થાય.
♦ દેશની હાઈકોર્ટોને પણ આ અંગે મોનેટરીંગ સીસ્ટમ બનાવવા આદેશ.

