Rajkot,તા.૬
ગુજરાત સરકારે એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યા બાદ સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ સક્રિય બન્યો છે. વડોદરા સહિત અનેક શહેરોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે રાજકોટમાં એનાલોગ પનીરના વેચાણને લઈને વેપારીનું નિવેદન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે નિયમોનો ભંગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. વિભાગની ચાર અલગ-અલગ ટીમોને શહેરના વિવિધ ઝોનમાં તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓ વેપારીઓના બિલો, ખરીદીના રેકોર્ડ અને સ્ટોકની ચકાસણી કરી રહ્યા છે, જેથી પ્રતિબંધિત એનાલોગ પનીરનું વેચાણ ક્યાંય થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરી શકાય.
તપાસ દરમિયાન વેપારીઓને સરકારના નવા નિયમોની વિગતવાર સમજ આપવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે એનાલોગ પનીરનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અથવા વિતરણ કરતાં કોઈપણ વેપારી સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગે વેપારીઓને માત્ર ધોરણ મુજબના અને અસલી ડેરી ઉત્પાદનો જ વેચવાની સૂચના આપી છે.
બીજી તરફ રાજકોટમાં એનાલોગ પનીર વેચાણના મામલે ફોર્ચ્યુન પનીરના માલિકનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ એનાલોગ પનીર તેઓ જૂનાગઢથી મંગાવતા હતા અને દરરોજ આશરે ૨૫ કિલો જેટલું વેચાણ થતું હતું. તેમણે એવો પણ દાવો કર્યો કે તેઓ માત્ર જથ્થાબંધ વેચાણ કરતા હતા અને ઉત્પાદનની પ્રક્રિયામાં સંકળાયેલા નહોતા.
વેપારીએ જણાવ્યું કે જૂનાગઢથી એનાલોગ પનીર રાજકોટ લાવવામાં આવતું હતું અને અહીં તેનું પેકિંગ કરવામાં આવતું હતું. અગાઉ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારે કેટલાક પેકેટ પર એક્સપાયરી ડેટનો ઉલ્લેખ નહોતો. વેપારીના જણાવ્યા મુજબ પેકિંગ દરમિયાન એફએસએસએઆઇના સ્ટિકર લગાવવામાં આવતા હતા, જોકે ઉત્પાદન તેઓ પોતે કરતા નહોતા.
રાજ્ય સરકારના પ્રતિબંધ બાદ હવે માત્ર રિટેલ વેપારીઓ જ નહીં પરંતુ સપ્લાય ચેઇન સાથે જોડાયેલા તમામ વેપારીઓ અને વિતરકોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એનાલોગ પનીર ક્યાંથી તૈયાર થાય છે, ક્યાં-ક્યાં સપ્લાય થાય છે અને કેટલા પ્રમાણમાં વેચાણ થાય છે તે અંગે આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી અધિકારીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.

