Surat,તા.૬
સુરત શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પાસોદરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં મસાજ પાર્લરની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ દરોડા દરમિયાન ફ્લેટમાંથી ભાઈ-બહેન સહિત ત્રણ સંચાલકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી બે મહિલાઓ અને બે ગ્રાહકો પણ મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, લસકાણા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એમ.બી. ઝાલાને માહિતી મળી હતી કે પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપના એક ફ્લેટમાં મસાજ પાર્લરની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે.આ બાતમીના આધારે પોલીસ ટીમે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ફ્લેટમાંથી સંચાલનમાં સામેલ લોકો ઝડપાયા હતા.
પોલીસ તપાસ દરમિયાન એક રૂમમાંથી એક મહિલા સાથે ૧૮ વર્ષીય વિદ્યાર્થી મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક ૧૯ વર્ષીય વિદ્યાર્થી વેઈટિંગ એરિયામાંથી મળી આવ્યો હતો.આ ઉપરાંત અન્ય એક રૂમમાંથી બીજી મહિલા પણ મળી આવી હતી. પોલીસની અચાનક કાર્યવાહીથી સ્થળ પર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગ્રાહકો પાસેથી એક વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦૦૦ લેવામાં આવતા હતા. ફ્લેટની માલિકી જાગૃતિ ઉર્ફે ક્રિષ્ણા સતીષ રાજપરાની હોવાનું જાણવા મળ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર, તેનો ભાઈ કાળુ બહારથી ગ્રાહકો લાવવાનું અને ફ્લેટની બહાર નજર રાખવાનું કામ કરતો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૧૦૦૦ અને અંદાજિત રૂપિયા ૨૧ હજારની કિંમતનો મોબાઈલ પણ કબજે કર્યો છે.
પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાંઃ જાગૃતિ ઉર્ફે ક્રિષ્ણા સતીષ રાજપરા (ઉંમર ૩૯ વર્ષ) – ફ્લેટ માલિક અને મુખ્ય સંચાલક,કાળુ ભીખા ચાવડા (ઉંમર ૩૪ વર્ષ) – ગ્રાહકો લાવવાનું અને વ્યવસ્થા સંભાળવાનું કામ,પૂજા ઉર્ફે પૂનમ હિરાણી – સ્થળ પર મેનેજમેન્ટ અને સંચાલન સંભાળતી હતી. પોલીસે ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના પરિવારના એક સભ્ય અંગે રાજકીય જોડાણ હોવાની માહિતી પણ સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, જાગૃતિ અને કાળુનો સગો ભાઈ વિશાલ ચાવડા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

