કર્મબંધનથી છુટવાના બે ઉપાય છેઃકર્મના તત્વને જાણીને નિઃસ્વાર્થભાવથી કર્મ કરવું અને તત્વજ્ઞાનનો અનુભવ કરવો.
શ્રી ભગવાન કહે છે કે પ્રિયે ! હવે હું શ્રીમદ ભગવદ ગીતાના ચોથા અધ્યાયનું માહાત્મય સંભળાવું છું. ગંગા નદીના કિનારે વારાણસી નામનું નગર છે.જ્યાં વિશ્વનાથજીના મંદિરમાં ભરતમુનિ નામના એક યોગ-નિષ્ટ મહાત્મા રહેતા હતા.જે દરરોજ આત્મ-ચિંતનમાં તત્પર રહીને આદરપૂર્વક શ્રીમદ ભગવદ ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરતા હતા.તેમના અભ્યાસથી તેમનું મન નિર્મળ બની ગયું હતું.તે શરદી-ગરમી વગેરે દ્વંન્દ્વોથી ક્યારેય વ્યથિત થતા ન હતા.
એક સમયની વાત છે.ભરતમુનિ તપોધન નગરની સીમામાં સ્થિત દેવતાઓના દર્શનની ઇચ્છાથી ભ્રમણ કરતાં કરતાં નગરની બહાર નીકળી જાય છે ત્યાં બોરડીના બે વૃક્ષ હતા,આ વૃક્ષોના થડનો સહારો લઇને તે આરામ કરવા લાગ્યા.એક વૃક્ષના થડ ઉપર પોતાનું મસ્તક તથા બીજા વૃક્ષના મૂળ ઉપર પોતાના બે પગ મુકીને આરામ કરી રહ્યા હતા.થોડીવાર આરામ કર્યા બાદ આ તપસ્વી ચાલ્યા જાય છે. તેમના ગયા બાદ પાંચ-છ દિવસમાં આ બંન્ને વૃક્ષો સૂકાઇ જાય છે.ત્યારબાદ આ બંન્ને વૃક્ષો પવિત્ર બ્રાહ્મણ ના ઘેર કન્યાઓના રૂપમાં જન્મ લે છે.
આ બંન્ને કન્યાઓ જ્યારે સાત વર્ષની થાય છે ત્યારે એક દિવસ તેઓ દૂર દેશોમાં ભ્રમણ કરીને આવતા ભરતમુનિને જુવે છે.તેમને જોતાં જ બંન્ને કન્યાઓ તેમના ચરણમાં પડી મીઠી વાણીમાં કહે છે કે હે મુનિ ! આપની કૃપાથી અમારા બંન્નેનો ઉદ્ધાર થયો છે,અમે બોરડી-વૃક્ષની યોનિને છોડીને માનવ શરીર પ્રાપ્ત થયું છે.કન્યાઓના આવા વચનો સાંભળીને ભરતમુનિને ઘણી જ નવાઇ લાગે છે તેથી તે પુછે છે કે પૂત્રીઓ..! મેં ક્યારે અને કયા સાધનથી તમોને મુક્ત કર્યા છે? સાથે સાથે એ પણ બતાવો કે તમોને બોરડી વૃક્ષની યોનિ કેમ મળી હતી? કેમકે આ વિશે હું કશું જાણતો નથી.
ત્યારે આ કન્યાઓને બોરડીના વૃક્ષની યોનિ કેમ મળી હતી તેની કથા સંભળાવતાં કહે છે કે હે મુનિ ગોદાવરી નદીના કિનારે છિન્નપાપ નામનું ઉત્તમ તીર્થ છે જે મનુષ્યોને પુણ્ય પ્રદાન કરનાર છે.તે પાવનતા ની ચરમસીમા પર પહોંચેલ છે.તે તીર્થમાં સત્યતપા નામના એક તપસ્વી ઘણી જ કઠોર તપસ્યા કરી રહ્યા હતા.તેઓ ઉનાળાની ઋતુમાં પ્રજ્જવલિત અગ્નિની વચ્ચે બેસીને તપ કરતા હતા.વરસાદની ઋતુમાં જળની ધારાઓથી તેમના માથાના વાળ હંમેશાં ભીના રહેતા હતા તથા શિયાળાની ઋતુમાં તેઓ જળમાં નિવાસ કરતા હોવાથી તેમના રોંગટા ઉભા રહેતા હતા.તે બહાર-ભીતર હંમેશાં શુદ્ધ રહીને તપસ્યા કરતા તથા મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને પરમશાંતિને પ્રાપ્ત કરી આત્મામાં જ રમણ કરતા હતા.તેઓ પોતાની વિદ્વતાના દ્વારા એવાં વ્યાખ્યાન કરતા કે તેમને સાંભળવા સાક્ષાત બ્રહ્માજી પણ પ્રતિદિન તેમની સન્મુખ ઉપસ્થિત થઇ પ્રશ્ન કરતા હતા.બ્રહ્માજીની સાથે પણ તેમને સંકોચ થતો ન હતો એટલે તેમના આવવાથી પણ હંમેશાં તપસ્યામાં લીન રહેતા હતા.
પરમાત્માના ધ્યાનમાં નિરંતર સંલગ્ન રહેવાથી તેમની તપસ્યા હંમેશાં વધતી રહેતી હતી.સત્યતપા તપસ્વીને જીવન-મુક્ત સંત માનીને તેમના તપથી દેવરાજ ઇન્દ્રને પોતાના સમૃદ્ધિશાળી પદ ગુમાવવાનો ભય ઉભો થાય છે તેથી દેવરાજ ઇન્દ્રે સત્યતપા તપસ્વીનું તપ ભંગ કરવા તેમાં વિઘ્નો કરવાનું શરૂ કર્યું. અનેક અપ્સરાઓના સમુહમાંથી અમો બે અપ્સરાઓને બોલાવીને આદેશ આપ્યો કે આ સત્યતપા મુનિ મને ઇન્દ્રના પદ ઉપરથી હટાવીને પોતે સ્વર્ગનું રાજ્ય ભોગવવા ઇચ્છે છે માટે તમે બંન્ને તેમની તપસ્યા ભંગ કરો.
દેવરાજ ઇન્દ્રના આદેશનું પાલન કરવા અમે ગોદાવરી નદીના કિનારે જ્યાં સત્યતપા મુનિ તપ કરતા હતા ત્યાં આવીને મંદ અને ગંભીર સ્વરમાં મૃદંગ અને મધુર વેણુનાદ કરી અન્ય અપ્સરાઓ સહિત મધુર સ્વરમાં ગાવાનું શરૂ કર્યું તથા આ યોગી મહાત્માને વશમાં કરવા માટે સ્વર-તાલ અને લયની સાથે નૃત્ય કરવાનું શરૂ કર્યું.વચ્ચે વચ્ચે અમે અમારી છાતી ઉપરનું વસ્ત્ર હટાવી લેતાં તેથી અમારા સ્તનો ખુલ્લા થઇ જતા હતા.અમારી બંન્નેની આ ઉન્મત્ત-ગતિ કામભાવ જગાડનારી હતી જેનાથી આ નિર્વિકાર ચિત્તવાળા મુનિએ ક્રોધમાં આવી હાથમાં જળ લઇને ક્રોધપુર્વક શ્રાપ આપ્યો કે તમે બંન્ને ગંગાના કિનારે બોરડીનું વૃક્ષ બની જશો.
શ્રાપ સાંભળીને અમે ઘણા જ વિનય અને વિવેકથી મુનિને પ્રસન્ન કરવા કહ્યું કે મહાત્માજી..! અમે બંન્ને પરાધીન છીએ એટલે અમારા દ્વારા જે દુષ્કર્મ થયું છે તેની આપ ક્ષમા આપો.સંતનું ચિત્ત કોમળ હોય છે. આવા પવિત્ર ચિત્તવાળા મુનિએ અમારા શ્રાપના ઉદ્ધારની અવધિ નક્કી કરતાં કહ્યું કે ભરતમુનિ તમારી પાસે આવે ત્યાં સુધી તમારે આ શ્રાપ ભોગવવો પડશે.ત્યારબાદ તમારો મૃત્યુલોકમાં જન્મ થશે અને પૂર્વ જન્મની સ્મૃતિ યાદ રહેશે.મુનિજી..અમે બંન્ને બોરડીના વૃક્ષના રૂપમાં હતી તે સમયે ભરતમુનિએ અમારી સમીપ આવીને શ્રીમદ ભગવદ ગીતા ચોથા અધ્યાયનું પારાયણ કરવાથી અમારો ઉદ્ધાર થયો છે એટલે અમે તેમને પ્રણામ કરીને કહ્યું કે આપે ફક્ત શ્રાપથી જ નહી પરંતુ આ ભયાનક સંસારમાંથી શ્રીમદ ભગવદ ગીતાના ચોથા અધ્યાયના પાઠ દ્વારા અમોને મુક્ત કર્યા છે.
શ્રી ભગવાન કહે છે કે બંન્ને કન્યાઓના અનુનય-વિનયથી મુનિ અતિ પ્રસન્ન થયા અને તેમની પૂજા સ્વીકારી ચાલ્યા ગયા અને તે કન્યાઓ ઘણા જ આદર સાથે દરરોજ શ્રીમદ ભગવદગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરવા લાગી કે જેનાથી તેમનો ઉદ્ધાર થયો હતો.
શ્રીમદ ભગવદ ગીતાના ચોથા અધ્યાયનો સાર એ છે કે કર્મબંધનથી છુટવાના બે ઉપાય છેઃકર્મના તત્વને જાણીને નિઃસ્વાર્થભાવથી કર્મ કરવું અને તત્વજ્ઞાનનો અનુભવ કરવો.
તત્વજ્ઞાનનો અર્થ ફિલોસોફી નથી.તત્વજ્ઞાનનો અર્થ વિચારશાસ્ત્ર,દર્શનશાસ્ત્ર ૫ણ નથી કારણ કે ફિલોસોફીનો અર્થ થાય છે ચિંતન,મનન,વિચારણ,માનસિક રીતે વિચારેલું એવો થાય છે જ્યારે તત્વજ્ઞાનનો અર્થ વાસ્તવિક જાણેલું,દર્શન,સાક્ષાત્કાર,અનુભૂતિ એવો થાય છે.કોઇ વ્યક્તિ ગમે તેટલું વિચારે ૫ણ તેના વિચારોથી તે ક્યાંય ૫હોચી શકતો નથી.માણસ જેટલું વિચારે તેટલા તેટલા શબ્દોનો સંગ્રહ વધે છે ૫રંતુ તેને પરમાત્માની પ્રતિતિ કે ઓળખાણ થતી નથી.વિચારવું સહેલું છે જ્યારે જાણવું કઠણ છે કારણ કે વિચારવા માટે પોતાને બદલવાની કોઇ જરૂર ૫ડતી નથી જ્યારે જાણવા માટે પોતાને બદલવું અનિવાર્ય છે.
તત્વજ્ઞાનને જાણવા માટે નિરાભિમાની બનીને વેદશાસ્ત્રોના જ્ઞાતા તત્વદર્શી મહાત્મા પાસે જઇ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનાં દર્શન થાય છે ૫છી જ અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે.કર્મોની સીમા તો જ્ઞાન છે.આ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કરતાં ભગવાન કહે છે કેઃ “તમામ કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની જનો પાસે જઇને જાણી લે.એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી,એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળભાવે પ્રશ્ન પૂછવાથી ૫રમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની-મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫શે.જ્ઞાનના આ માધ્યમથી તું તમામ ભૂતોમાં નિઃશેષભાવથી ૫હેલાં પોતાનામાં અને ૫છી મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂ૫માં જોઇશ.”
વિનોદભાઇ માછી નિરંકારી

