Manavadar તા.૧૧ઃ
માણાવદર શહેરની નવી બનેલી મામલતદાર કચેરીએ આજે તેના નિર્માણના ૧૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ અવસરને યાદગાર બનાવવા માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર એમ.ડી. શુક્લના માર્ગદર્શન હેઠળ કચેરી ખાતે કન્યા પૂજન, ગૌમાતા પૂજન અને વેદ પૂજન સાથે વૈદિક પરંપરા મુજબ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ ’માણાવદરની વિરાસત’ વિષય પર આધારિત ફોટો પ્રદર્શન રહ્યું હતું. મામલતદાર કચેરીની લોબીમાં માણાવદર નગરની ઐતિહાસિક જૂની ઇમારતો અને આધુનિક નવી બિલ્ડીંગોના કુલ ૩૨ જેટલા ફોટાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન દ્વારા મુલાકાતીઓ માણાવદરના સ્થાપત્ય અને તેના વિકાસની ગાથાને નિહાળી શકશે. સમગ્ર પૂજન વિધિ શાસ્ત્રી કમલેશભાઈ મહેતા દ્વારા સંપન્ન કરાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોહાણા સમાજ ના પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ સોમૈયા, બ્રહ્મ સમાજના ચેરમેન ડો. પંકજભાઈ જોશી, અગ્રણી હિતેશભાઈ પંડ્યા તેમજ સેવાભાવી સંસ્થાઓના વિજયભાઈ મશરૂ અને હરેશભાઈ શેઠ સહિતના મહાનુભાવોએ હાજરી આપી વહીવટી તંત્રના આ નવતર પ્રયોગને બિરદાવ્યો હતો.
આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન ગૌ ઉપાસક મયૂર રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરીના સ્ટાફ અને નગરજનોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમે સરકારી કચેરીમાં એક નવીન ઊર્જાનો સંચાર કર્યો છે. સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા ગો-ગાયત્રી યજ્ઞથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

