Nikhil Bhatt
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
Indian Stock Market હાલના તબક્કે એક અત્યંત રોમાંચક પરંતુ સાવચેતી માગી લે તેવા મોડ પર આવીને ઊભું છે. વર્તમાન સમયમાં ભારતીય બજાર માત્ર સ્થાનિક કોર્પોરેટ પરિણામો કે દેશના જીડીપી આંકડાઓથી સંચાલિત નથી થઈ રહ્યું, પરંતુ તેના પર વૈશ્વિક વ્યાજદર, ક્રુડ ઓઈલની અસ્થિરતા અને ડોલર સામે ઘટતા રૂપિયાની ત્રિપાંખી અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આગામી સપ્તાહ દરમિયાન બજાર કઈ દિશામાં ફંટાશે, તેનો આધાર મુખ્યત્વે આ ત્રણ વૈશ્વિક પરિબળો અને તેના આધારે આકાર લેતા વિદેશી રોકાણકારોના નાણાપ્રવાહ પર રહેશે.
મિત્રો, બજારની આગામી ચાલ અને વિવિધ સેક્ટર્સ પર તેની પડનારી અસરોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો…
વૈશ્વિક વ્યાજદરનું દબાણ અને વિદેશી નાણાપ્રવાહ : અમેરિકાની અર્થવ્યવસ્થામાં ફુગાવાના ઊંચા સંકેતોને કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં રાહત મળવાની શક્યતાઓ પર હાલ પૂરતું ગ્રહણ લાગ્યું છે. અમેરિકન બોન્ડ યિલ્ડમાં સતત વધારો નોંધાતાં વૈશ્વિક ભંડોળ નિર્માતાઓ હવે જોખમ મુક્ત અને ઊંચું વળતર આપતી યુએસ ટ્રેઝરી તરફ વળી રહ્યા છે.
ઈમર્જિંગ માર્કેટ્સ પર અસર: યુએસ બોન્ડ યિલ્ડ અને ડોલર ઈન્ડેક્સ મજબૂત થવાથી ભારત જેવા ઉભરતા બજારોમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો પોતાના નાણાં પાછા ખેંચી રહ્યા છે.
મૂલ્યાંકનનું દબાણ : જો અમેરિકામાં વ્યાજદર ધારણા કરતાં વધુ સમય સુધી ઊંચા મથાળે રહેશે, તો ભારતીય બજારમાં ઊંચા વેલ્યુએશન ધરાવતા મિડકેપ અને સ્મોલકેપ શેરો પર મોટું વેચવાલીનું દબાણ આવી શકે છે. જો વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં ઘટાડા કે રાહતના કોઈ પણ હકારાત્મક સંકેત મળશે, તો ભારતીય બજારમાં નીચલા મથાળેથી ઝડપી શોર્ટ કવરિંગ અને સુધારો જોવા મળી શકે છે.
રૂપિયા માટે પડકારો અને આરબીઆઈ (RBI) નો અભિગમ : છેલ્લા અઠવાડિયામાં ભારતીય રૂપિયો ડોલર સામે એક ટકાથી વધુ નબળો પડીને ૯૫.૫૫ સુધી પહોંચ્યો હતો અને આગામી સત્રોમાં તે ૯૫.૮૦ ની સપાટીને સ્પર્શે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
રૂપિયાની નબળાઈના કારણો : ક્રુડ ઓઈલના ભડકે બળતા ભાવ, વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂતી અને FII દ્વારા થતી સતત વેચવાલી રૂપિયા પર ભારે દબાણ સર્જી રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) અગાઉ પણ ૯૫.૮૦ ની મનોવૈજ્ઞાનિક સપાટી આસપાસ પોતાના ફોરેક્સ રિઝર્વનો ઉપયોગ કરીને હસ્તક્ષેપ કરતી આવી છે. જો રૂપિયો આ સપાટી તોડશે તો RBI તરફથી કરન્સી માર્કેટમાં સક્રિયતા વધશે. કંપનીઓના માર્જિન પર અસર તરીકે નબળા રૂપિયાને કારણે ભારતનું આયાત બિલ મોંઘું થશે, જે ઉત્પાદક અને વપરાશકાર કંપનીઓના પ્રોફિટ માર્જિન પર દબાણ લાવશે જોકે, ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અને ફાર્મા જેવી નિકાસ આધારિત કંપનીઓને નબળા રૂપિયાના કારણે વિદેશી આવકના રૂપાંતરણમાં સીધો ફાયદો મળશે.
ક્રુડ ઓઈલની સીધી અસર અને મોંઘવારીનું જોખમ : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત $૧૦૦ પ્રતિ બેરલથી ઉપર જવી એ ભારતીય અર્થતંત્ર માટે સૌથી મોટું જોખમી પરિબળ છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધતો જિયોપોલિટિકલ તણાવ અને ઊર્જા પુરવઠાની સાંકળમાં ખોરવાઈ રહેલો પ્રવાહ તેલના ભાવમાં મોટી અસ્થિરતા લાવી રહ્યો છે. ભારત તેની જરૂરિયાતનું ૮૫% થી વધુ ક્રુડ ઓઈલ આયાત કરે છે. ઊંચા ક્રુડ ઓઈલના ભાવ લોજિસ્ટિક્સ અને પરિવહન ખર્ચમાં સીધો વધારો કરે છે, જેનાથી દેશમાં એકંદર ફુગાવો (Inflation) વધે છે. ક્રુડ ઓઈલ મોંઘું થવાથી ઓટોમોબાઈલ, પેઈન્ટ્સ, ટાયર, કેમિકલ્સ અને સિન્થેટિક ટેક્સટાઈલ ઉત્પાદક કંપનીઓનો કાચા માલનો ખર્ચ વધી જશે. અપસ્ટ્રીમ ઓઈલ ઉત્ખનન કરતી કંપનીઓને ઊંચા ભાવનો લાભ મળી શકે છે, પરંતુ ડાઉનસ્ટ્રીમ રિફાઈનિંગ અને માર્કેટિંગ કંપનીઓના માર્જિન ધોવાઈ શકે છે.
સ્થાનિક અર્થતંત્ર અને DIIs નો મજબૂત આધાર : વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય બજાર માટે સૌથી મોટું આશ્વાસન દેશનો મજબૂત સ્થાનિક આર્થિક આધાર છે. સ્થાનિક માંગ અને સરકારી ખર્ચ: કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પાછળ કરાઈ રહેલું ભારી મૂડી ખર્ચ, મજબૂત બેંકિંગ ક્રેડિટ ગ્રોથ અને તહેવારોની મોસમમાં વધતી ગ્રાહક વપરાશ ભારતીય અર્થતંત્રના પરિબળોને મજબૂત રાખે છે.
જ્યારે પણ વૈશ્વિક વેચવાલીના કારણે બજારમાં મોટો ઘટાડો આવે છે, ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઈપી ના માધ્યમથી આવતો નાણાપ્રવાહ બજારને નીચલા મથાળેથી મોટો ટેકો આપે છે.
મોંઘવારીના આંકડા અને આરબીઆઈની નાણાકીય નીતિ : તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ ઓગસ્ટ મહિનામાં છૂટક મોંઘવારી (CPI) ૪.૮૨% અને જથ્થાબંધ મોંઘવારી (WPI) ૯.૯૨% ના સ્તરે પહોંચતા ફુગાવો ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે.
ઊર્જા અને ઉત્પાદન ખર્ચમાં સતત થઈ રહેલો વધારો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માટે મુશ્કેલ સ્થિતિ સર્જી રહ્યો છે. જો મોંઘવારી અંકુશમાં નહીં આવે, તો RBI ને આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના સંતુલન વચ્ચે વ્યાજદરમાં કપાત કરવાની પ્રક્રિયા લાંબા સમય સુધી મુલતવી રાખવી પડશે. વ્યાજદરમાં ઘટાડાની શક્યતાઓ ધૂંધળી થતાં બેંકિંગ અને રેટ-સેન્સિટિવ ક્ષેત્રોમાં ટૂંકા ગાળે અસ્થિરતા વધી શકે છે.
સેક્ટર મુજબ વિશ્લેષણ કરીએ તો આગામી દિવસોમાં…
બેંકિંગ સેક્ટર :હાલમાં બેંકિંગ ક્ષેત્રે ક્રેડિટ ગ્રોથ મજબૂત જોવા મળી રહ્યો છે, પરંતુ વ્યાજદરો ઘટવામાં થતા વિલંબના કારણે એનઆઈએમ પર આંશિક અસર પડી શકે છે આવી સ્થિતિમાં રોકાણકારો માટે સલાહ છે કે મોટા અને મજબૂત બેલેન્સશીટ ધરાવતા લાર્જકેપ બેંકિંગ શેરો પોર્ટફોલિયોને અને બજારને સારી સ્થિરતા પૂરી પાડી શકે છે.
નાણાકીય સેવાઓ :વીમા, વેલ્થ મેનેજમેન્ટ અને હોમ લોનની સતત વધતી માંગને કારણે આ ક્ષેત્રનો લાંબા ગાળાનો આઉટલુક ખૂબ જ ઉજ્જવળ જણાય છે. તેથી, બજારમાં થતા દરેક ઘટાડે સારી ગુણવત્તા ધરાવતા સ્ટોક્સમાં તબક્કાવાર એસઆઈપી મોડમાં રોકાણ કરવું હિતાવહ છે.
ફાર્માસ્યુટિકલ્સ :વૈશ્વિક અસ્થિરતા અને બજારના ઉતાર-ચડાવના સમયે ફાર્માસ્યુટિકલ્સ સેક્ટર એક સુરક્ષિત અને રક્ષણાત્મક ક્ષેત્ર તરીકે ઉભરી આવે છે. એકંદર પોર્ટફોલિયોનું જોખમ ઘટાડવા અને સંતુલન જાળવી રાખવા માટે ફાર્મા શેરો ઉપયોગી સાબિત થઈ શકે છે.
એફએમસીજી:ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં માંગમાં સ્થિરતા હોવાને કારણે, મંદી કે ઘટેલા બજારમાં આ સેક્ટર પ્રમાણમાં ઘણું સુરક્ષિત રહે છે. સ્થિર ડિવિડન્ડ આવક મેળવવા અને પોર્ટફોલિયોમાં ઓછી અસ્થિરતા જાળવી રાખવા માટે આ સેક્ટર શ્રેષ્ઠ પસંદગી છે.
ઓઈલ & ગેસ : ક્રૂડ ઓઈલના ઊંચા અને અસ્થિર ભાવના કારણે આ સેક્ટરમાં ચંચળતા રહેવાની પૂરી શક્યતા છે, અને તેની અસર અલગ-અલગ કંપનીઓ પર જુદી-જુદી થઈ શકે છે. આથી, કોઈ પણ કંપનીમાં રોકાણ કરતા પહેલા સ્ટોક-સ્પેસિફિક વિશ્લેષણ કરીને જ આગળ વધવું જોઈએ.
બજારની ભાવિ દિશા :આગામી સપ્તાહે બજાર સંપૂર્ણપણે સમાચાર આધારિત રહેવાની શક્યતા છે. રોકાણકારોએ ચાર મુખ્ય સંકેતો જેમ કે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલની સપાટી, અમેરિકન બોન્ડ યિલ્ડ અને વ્યાજદરના સંકેતો, ડોલર સામે ભારતીય રૂપિયાની ચાલ અને વિદેશી રોકાણકારોનું દૈનિક બાયિંગ/સેલિંગ ડેટા ધ્યાને લેવા જોઈએ.વર્તમાન બજાર “સાવચેતી સાથે તકો શોધવાનું” બજાર છે. ટૂંકા ગાળા માટે બજારમાં મોટી અસ્થિરતા રહેવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ ભારતની સ્થાનિક આર્થિક મજબૂતી લાંબા ગાળાના રોકાણકારો માટે મોટી આશાનું કિરણ છે. તેથી, હાલના તબક્કે એકસાથે મોટી મૂડીનું રોકાણ કરવાને બદલે, બજારમાં આવતા દરેક ઘટાડા પર ફંડામેન્ટલી મજબૂત, શૂન્ય દેવું ધરાવતી અને સારા કોર્પોરેટ ગવર્નન્સ વાળી કંપનીઓમાં તબક્કાવાર રોકાણ કરવાની વ્યૂહરચના અપનાવવી જોઈએ.
તા.૧૨.૧૦.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે..
તા.૦૯.૧૦.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૬૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૨૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૨૬૭૬ પોઈન્ટ થી ૨૨૭૩૭ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૨૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એયુ બેંક ( ૯૮૮ ) :- એયુ બેંક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૭૩ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૦૧૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૮૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૪૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૮૩૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૮૪ થી રૂ.૮૯૦ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- હિન્દુસ્તાન ઝિંક ( ૫૪૩ ) :- રૂ.૫૨૩ નો પ્રથમ તેમજ રૂ.૫૦૫ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૫૬૩ થી રૂ.૫૭૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
- જેએસડબલ્યુ એનર્જી ( ૪૬૬ ) :- એનર્જી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૭૮ થી રૂ.૪૯૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૪૩૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
- આરબીએલ બેન્ક ( ૪૧૪ ) :- રૂ.૩૯૬ નો પ્રથમ તેમજ રૂ.૩૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૪૩૪ થી રૂ.૪૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
- ઇન્ડસ ટાવર ( ૩૭૭ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૩૬૩ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૩૮૮ થી રૂ.૪૦૪ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- અંબુજા સિમેન્ટ ( ૩૪૬ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૩૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૩૬૩ થી રૂ.૩૭૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
- એટરનલ ( ૩૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટરનેટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૦૩ આસપાસ રોકાણકારે રૂ.૩૩૮ થી રૂ.૩૪૭ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૨૯૬ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
- પીએફસી ( ૩૨૮ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૩૦૩ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૩૩૯ થી રૂ.૩૫૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- પેટ્રોનેટ ( ૨૯૧ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૭૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૨૯૯ થી રૂ.૩૦૩ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

