New Delhi,તા.18
ઓસ્ટ્રેલિયાની ઉછાળવાળી પીચો પર કાંગારૂઓને માત આપવી ટીમ ઈન્ડિયા માટે આસાન નહીં હોય. ન્યુઝીલેન્ડની સામે ઋષભ પંત સિવાય બાકીનાં બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યાં હતાં. પરિણામે, આપણે પ્રથમ વખત ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત અને કંપની માટે વધુ પડતી આક્રમકતા મોંઘી સાબિત થઈ હતી.
જો ભારતીય ટીમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સતત ત્રીજી વખત જીતવી હોય તો બેટ્સમેનોએ ક્રિઝ પર ટકી રહેવું પડશે. રન બનાવવાને બદલે ક્રિઝ પર ટકી રહી વધુ સમય પસાર કરવો પડશે અને બને તેટલાં બોલ રમવા પડશે.
ક્રિઝ પર ટકી રહેવાથી ફરક પડશે
લાલ બોલની ક્રિકેટમાં મોટી ઇનિંગ્સ રમવી અથવા વધુ રન બનાવવું મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણીવાર મેચ જીતવા અથવા તેને ડ્રો કરવા માટે બેટ્સમેનોએ લાંબા સમય સુધી વિકેટ પર ટકી રહેવું પડે છે. ઈંગ્લેન્ડની બેઝબોલ સ્ટાઈલને અનુસરીને હવે મોટાભાગનાં ખેલાડીઓ ટેસ્ટમાં પણ ઝડપી રન બનાવવા પર ભાર આપી રહ્યાં છે.
ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે પણ આ નીતિ અપનાવી હતી પરંતુ તે નિષ્ફળ રહી હતી. ત્રણ ટેસ્ટમાં ભારતીય ટીમે માત્ર 2053 બોલનો સામનો કર્યો હતો. પરંતુ આ વ્યૂહરચના હંમેશાં પાંચ દિવસીય મેચમાં ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિઓમાં કામ કરતી નથી. પીચ પર રહીને બેટિંગ કરવાની જરૂર છે.
ગિલના ડાબા અંગૂઠામાં ફ્રેક્ચર
ભારતીય ટીમને શનિવારે જોરદાર ફટકો પડ્યો હતો. શુભમન ગિલ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાંથી લગભગ બહાર થઈ ગયો છે. તેનાં ડાબા અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. ટીમને બે જૂથમાં વહેંચવામાં આવ્યાં બાદ પ્રેક્ટિસ મેચના બીજા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે ગિલને ઈજા થઈ હતી. ઈજા પછી તે ખૂબ જ પીડામાં હતો અને તરત જ સ્કેન માટે મેદાન છોડી ગયો હતો.
ભારતની છેલ્લી બોર્ડર ગાવસ્કર ટ્રોફીને જીતવાના મુખ્ય આધાર યુવા બેટ્સમેનોમાંના એક ગિલ રહ્યાં હતાં. બીસીસીઆઈના એક સૂત્રના જણાવ્યાં અનુસાર ગિલના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. ટેસ્ટ શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે અને પ્રારંભિક મેચ માટે સમયસર ફિટ થવું ગિલ માટે લગભગ અશક્ય છે.
પુજારાની ગેરહાજરીથી ફરક પડશે
ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે છેલ્લી બે શ્રેણીમાં તેની જીતનો આ મંત્ર હતો. આ નીતિ ટ્રસ્ટેડ ચેતેશ્વર પૂજારા દ્વારા વર્ષ 2018-19 અને 2020-21 માં અપનાવવામાં આવી હતી. સૌરાષ્ટ્રનાં આ મિડલ ઓર્ડર બેટ્સમેને આ બંને સિરીઝમાં મોટો ફરક પાડ્યો હતો. ટીમમાં તેની ગેરહાજરી જણાશે. તેની જગ્યાએ કોઈએ આ જવાબદારી લેવી પડશે. ભારતીય ખેલાડીઓએ 2019 માં કુલ 4387 બોલ રમ્યાં હતાં. તેમાંથી પૂજારાએ એકલાએ 1258 બોલનો સામનો કર્યો હતો.
આ દરમિયાન તેણે 74.42ની એવરેજથી 521 રન પણ બનાવ્યાં હતાં. જ્યારે 2020-21માં તેણે ભલે ઓછાં રન બનાવ્યાં હોય પરંતુ બંને ટીમનાં તમામ ખેલાડીઓ કરતાં વધુ બોલ રમ્યાં હતાં. તેણે 271 રન માટે કુલ 928 બોલનો સામનો કર્યો હતો અને ક્રિઝ પર 1366 મિનિટ વિતાવી હતી. શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ઓસ્ટ્રેલિયાનાં લેબુશેને 850 બોલ રમ્યાં અને ક્રિઝ પર માત્ર 1236 મિનિટ વિતાવી હતી.

