Dhoraji,તા.5
જામનગર જિલ્લાના, કાલાવડ તાલુકાના, ભાવિભા ખીજડીયા ગામના રહીશ અને આર્મીમાં સર્વિસ કરતા અજયરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના મામાના દીકરા ઇન્દ્રજીતસિંહ જીતેન્દ્રસિંહ જાડેજાને તા.18/04/2024 ના રોજ હાથ ઊંચીની આપેલી રકમ રૂ.4,00,000/- અંકે રૂપિયા ચાર લાખ પુરા પરત ચુકવવા ઇન્દ્રજીતસિંહ જાડેજાએ કોટક મહિન્દ્રા બેન્કની ગોંડલ શાખાનો પોતાના ખાતાનો ચેક નં.000002 નો ચેક અજયરાજસિંહ જાડેજાને લખી આપેલો.
જે ચેક અજયરાજસિંહ જાડેજાએ વટાવવા માટે પોતાના ખાતામાં જમા કરાવતા તે ચેક ઇન્દ્રજીતસિંહના ખાતામાં પૂરતા ભંગોળના અભાવના કારણે વગર વસૂલાતે પરત ફરતા અજયરાજસિંહ જાડેજા પ્રથમ પોતાના વકીલશ્રી મારફતે ઇન્દ્રજીતસિંહ જાડેજાને ડિમાન્ડ નોટિસ આપેલી તેમ છતાં ચેક મુજબની રકમ નહીં મળતા ઇન્દ્રજીતસિંહ જાડેજા સામે ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક કલમ-138 નીચે જામકંડોરણાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી કેસ નં. 44/2024 થી કેસ દાખલ કરેલો.
જે કેસ ચાલી જતા ફરિયાદીપક્ષના એડવોકેટ રાહુલ આર ચૌધરીની દલીલો અને તેના સમર્થનમાં રજૂ કરેલા ચુકાદાઓને માન્ય રાખી કોર્ટે ઇન્દ્રજીતસિંહ જાડેજાને તકસીરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા તેમજ ચેક મુજબની રકમ 30 દિવસમાં ચૂકવી આપવા તેમજ જો આ રકમ 30 દિવસમાં ચૂકવવામાં ન આવે તો ત્રણ માસની વધારાની સજા નો આખરી હુકમ કરેલું છે.

