(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૪ઃ
જામનગર નજીક સિક્કા ગરીબ નવાઝ ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ફારુખભાઈ જુનસભાઈ ચમડીયા (ઉં.વ.૪૫) સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદ મુજબ ફેસબુક પર ટિકટોક ડાઉનલોડ કરવાની પોસ્ટમાં આવેલી લિંક પર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમના બેંક ખાતામાંથી રૂ.૫૦ હજાર અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા.
ફારુખભાઈના જણાવ્યા મુજબ તા.૧૭ સપ્ટેમ્બરની રાત્રે તેઓ મોબાઇલમાં ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે ટિકટોકની એક પોસ્ટ જોવા મળી હતી. પોસ્ટમાં આવેલી લિંક પર ક્લિક કરતાં બતાવાયેલી એપ્લિકેશન તેમણે ડાઉનલોડ કરી હતી. બીજા દિવસે તેઓ ડ્રાઇવિંગના કામે વાડીનાર બહાર ગયા હતા. બપોરે તેમણે ગુગલ પે મારફતે એક દુકાન પર રૂ.૫૫નું પેમેન્ટ કર્યું હતું.
પેમેન્ટ કર્યાના થોડા સમય બાદ તેમનો મોબાઇલ આપમેળે બે વખત અપડેટ થયો અને ત્યારબાદ રીસ્ટાર્ટ થયો હતો. દરમિયાન બપોરે ૨.૫૧ વાગ્યાના અરસામાં તેમના મોબાઇલ પર બેંક ખાતામાંથી રૂ.૫૦ હજાર ઉપડી ગયાનો સંદેશ આવ્યો હતો. તેમણે યુપીઆઈની લેવડદેવડની વિગતો તપાસતાં રૂ.૫૦ હજાર અજાણ્યા ફેડરલ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયેલા હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે સાયબર છેતરપિંડી થયાની જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે તેમની રકમ ફેડરલ બેંકના ખાતા નં. ૨૦૦૯૦૧૦૦૦૯૧૫૦૦માં ટ્રાન્સફર થઈ હતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ આ ખાતામાંથી ચેક મારફતે કુલ રૂ.૧.૯૦ લાખ ઉપાડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.સિક્કા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૮(૪) તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

