મશીનમાં છાતીમાંથી હાથ ખેંચાઈ જતાં શરીરના અવયવો બહાર આવી ગયાં, ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલમાં શ્રમિકે દમ તોડ્યો
(નયના દવે દ્વારા)
Jamnagar તા ૧૧
જામનગર તાલુકાના ચેલા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક કારખાનામાં ડ્રો મશીનમાં શર્ટ ફસાઈ જતાં હાથ પણ મશીનમાં આવી જવાથી મૂળ બિહારના ૨૦ વર્ષીય શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મશીનમાં ખેંચાઈ જવાના કારણે યુવાનના શરીરમાંથી અવયવો બહાર આવી જતાં ગંભીર હાલત સર્જાઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
બનાવની વિગતો મુજબ, ચેલા ખાતે વિઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નં. ૨૪૧માં આવેલા ઇન્ડિયન બ્રાસ નામના કારખાનામાં મૂળ બિહારના રહેવાસી રહીસકુમાર સંતોષપાલ (ઉ.વ. ૨૦) મજૂરી કામ કરતા હતા. તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ સવારે આશરે ૧૦ વાગ્યાના અરસામાં તેઓ ડ્રો મશીનમાં સળિયા નાખવાનું કામ કરી રહ્યા હતા.
દરમિયાન તેમણે પહેરેલું શર્ટ અચાનક ડ્રો મશીનમાં ફસાઈ ગયું હતું. શર્ટ મશીનમાં ખેંચાઈ જતાં રહીસકુમારને ડાબા ખભાથી છાતીના ભાગ સુધી અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાની ગંભીરતાના કારણે છાતીના ભાગેથી શરીરના અંદરના અવયવો બહાર આવી જતાં બનાવસ્થળે ભારે ગભરાટ ફેલાયો હતો.
ગંભીર રીતે ઘવાયેલા રહીસકુમારને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની હાલત વધુ ગંભીર બનતાં અંતે તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે સોનુકુમાર બ્રહ્મદેવ ભગતે જાણ કરતાં પંચ-બી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ.ની કલમ ૧૯૪ મુજબ અપમૃત્યુ નોંધવામાં આવ્યું છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

