૧૫,૬૦૦ બોટલ વિદેશી દારૂ, ટ્રક અને ત્રણ મોટરસાયકલ સહિત મુદ્દામાલ કબજે; નાથાભાઈ મોરી સહિત સાત આરોપીઓની શોધખોળ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૯ઃ
જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે કુલ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ જામજોધપુર પોલીસે કબજે કરી ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ શોધી કાઢ્યો છે. દરોડા દરમિયાન દારૂનો જથ્થો ઉતારી કટીંગ કરી અન્ય સ્થળે વેચાણ માટે સગેવગે કરવાની તૈયારી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના તથા લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા આઈપીએસના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ અંગે પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન એએસઆઈ સુરેશભાઈ આર. પરમાર તેમજ અન્ય સ્ટાફને સંયુક્ત બાતમી મળી હતી કે ધોરીયા નેસ ખાતે રહેતા નાથાભાઈ લાલાભાઈ મોરી, રાજુભાઈ ઉર્ફે બાઠીયો મોરી તથા તેમના મળતીયાઓએ વિદેશી દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો છે અને ટ્રકમાંથી દારૂ ઉતારી કટીંગ કરી અન્યત્ર વેચાણ માટે મોકલવાની તૈયારી કરી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા સરકારી તથા ખાનગી વાહનોની લાઈટ જોઈ હાજર શખ્સો નાસી છૂટ્યા હતા. સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપટા બોટલો નંગ-૧૫,૬૦૦, કિંમત રૂ.૨૩,૪૦,૦૦૦, ટાટા કંપનીનો ટ્રક કિંમત રૂ.૨૦,૦૦,૦૦૦, તેમજ ત્રણ મોટરસાયકલ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૪૪,૪૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ અંગે પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ બાબુભાઈ ગાગીયાએ ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ.એન. શેખે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડવાના બાકી આરોપીઓઃમુખ્ય સૂત્રધાર નાથાભાઈ લાલાભાઈ મોરી તથા રાજુભાઈ ઉર્ફે બાઠીયો મોરી, બંને રહે. ધોરીયા નેસ, તા. જામજોધપુર, તેમજ ટ્રકના ચાલક, ત્રણેય મોટરસાયકલના ચાલકો અને તપાસમાં ખુલનારા અન્ય શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

