ચેમ્પિયન્સ ટ્રોફીના નિર્ણય પહેલા આઇસીસીની ખુરશી સંભાળી,અધ્યક્ષ બનનાર તે ૫મા ભારતીય
New Delhi,તા.૧
ભારતીય ક્રિકેટને ઉંચાઈ પર લઈ ગયા બાદ જય શાહે તેની નવી ઈનિંગ શરૂ કરી છે. જય શાહે આઈસીસી પ્રમુખ તરીકેનો કાર્યકાળ શરૂ કર્યો છે. આ સાથે તે આઇસીસીના સૌથી યુવા અધ્યક્ષ બની ગયા છે. હાલમાં તેની ઉંમર માત્ર ૩૫ વર્ષની છે. આ સાથે તે આઇસીસી પર શાસન કરનાર ૫માં ભારતીય બની ગયા છે. ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જય શાહે આઈસીસીનું અધ્યક્ષપદ સંભાળ્યું છે, તેથી હવે આ ટૂર્નામેન્ટ પર લેવાયેલા નિર્ણયોમાં જય શાહ મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.
જય શાહને ૨૦૧૯માં બીસીસીઆઇ સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી હતી. જય શાહે લગભગ ૬ વર્ષ સુધી બીસીસીઆઇમાં સેવા આપી છે. આ સાથે તે જાન્યુઆરી ૨૦૨૧થી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ બન્યા હતા. હવે જય શાહ આઇસીસી માટે કામ કરશે. તેણે ગ્રેગ બાર્કલેનું સ્થાન લીધું છે, જેઓ સતત બે ટર્મ માટે આઇસીસી અધ્યક્ષ હતા. જય શાહના કાર્યકાળ દરમિયાન પ્રથમ આઇસીસી ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી હશે, જેના પર નિર્ણય લેવાનો બાકી છે. વાસ્તવમાં, પાકિસ્તાન ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે, પરંતુ ભારત તેની મેચ હાઇબ્રિડ મોડલ પર ઇચ્છે છે, જેને લઇને છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે.
જય શાહે આઈસીસી પ્રમુખ તરીકેની તેમની ભૂમિકામાં જણાવ્યું હતું કે, ’આઈસીસી પ્રમુખની ભૂમિકા નિભાવીને હું સન્માનિત છું અને આઈસીસીના નિર્દેશકો અને સભ્ય બોર્ડના સમર્થન અને વિશ્વાસ માટે આભારી છું. આ રમત માટે એક રોમાંચક સમય છે કારણ કે અમે એલએ ૨૮ ઓલિમ્પિક ગેમ્સ માટે તૈયારી કરીએ છીએ અને વિશ્વભરના ચાહકો માટે ક્રિકેટને વધુ સમાવિષ્ટ અને આકર્ષક બનાવવા માટે કામ કરીએ છીએ. અમે બહુવિધ ફોર્મેટના સહઅસ્તિત્વ અને મહિલા રમતના વિકાસને વેગ આપવાની જરૂરિયાત સાથે એક વળાંક પર છીએ.’
તમને જણાવી દઈએ કે, જય શાહ ૨૦૦૯થી ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલા છે. ૨૦૦૯ માં, તેણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે તેની સફર શરૂ કરી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના વિકાસની દેખરેખ રાખી હતી. આ પછી, તેણે ૨૦૧૯ માં બીસીસીઆઇમાં પ્રવેશ કર્યો. જય શાહ પહેલા માત્ર ૪ ભારતીયો જ આઇસીસી પ્રેસિડેન્ટ હતા. તેમના પહેલા જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહરે આ જવાબદારી સંભાળી છે.

