(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૧
Jamnagarમાં ચાર વર્ષ અગાઉ એક પરપ્રાંતીય પરિણીતાની છેડતી કરી અને તેનો વિરોધ કરનાર પતિ પર હુમલો કરવાના કેસમાં અદાલતે આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂ. ૩ હજારનો દંડ ફટકાર્યો છે.
કેસની હકીકત મુજબ, જામનગરના દિગ્વિજય વૂલન મિલ રોડ પર આવેલા યાદવનગર વિસ્તારમાં રહેતી એક પરપ્રાંતીય પરિણીતા તા. ૬ જુલાઈ, ૨૦૨૨ના રોજ મંદિરેથી પરત ફરી રહી હતી. તે દરમિયાન આનંદ સોસાયટીમાં રહેતો મની પાનીકર ઉર્ફે સોનુ સુકદાન પાનીકર (ઉ.વ. ૩૪) મહિલાનો પીછો કરી તેની ચુંદડી પકડી છેડતી કરી હતી. ફરિયાદ મુજબ, આરોપી અગાઉ પણ અનેક વખત મહિલાને હેરાન-પરેશાન કરતો હતો.
આ અંગે મહિલાએ પોતાના પતિને જાણ કરતાં તેઓ આરોપીને સમજાવવા ગયા હતા. તે સમયે આરોપીએ દંપતીને ગાળો આપી પતિ સાથે મારામારી કરી હતી તેમજ પથ્થર વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪, ૩૫૪(એ) અને ૩૨૩ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે દલીલ કરી હતી કે આરોપીએ મહિલાની લાજ ભંગ કરવાના ઈરાદાથી જાતીય સતામણી કરી હતી અને પત્નીની રક્ષા માટે વચ્ચે પડેલા પતિ પર હુમલો કર્યો હતો. તેથી આરોપીને કડક સજા થવી જોઈએ.સરકાર પક્ષની દલીલો અને પુરાવાઓને માન્ય રાખી અદાલતે આરોપી મની પાનીકર ઉર્ફે સોનુ સુકદાન પાનીકરને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ હેઠળ એક વર્ષની સખત કેદ અને રૂ. ૨ હજારનો દંડ, કલમ ૩૫૪(એ)(૧) હેઠળ છ મહિનાની કેદ અને રૂ. ૧ હજારનો દંડ તેમજ કલમ ૩૨૩ હેઠળ ત્રણ મહિનાની કેદની સજા ફટકારી હતી. દંડની રકમ ભરપાઈ ન કરવામાં આવે તો વધારાની ૧૫-૧૫ દિવસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.આ કેસમાં સરકાર પક્ષ તરફથી સહાયક સરકારી વકીલ રશ્મિ દત્તાણીએ અસરકારક દલીલો રજૂ કરી હતી.

