ઉમેદવારી ફોર્મમાં કેસ પેન્ડિંગ નથી તેવું બતાવ્યાનો દાવો અને એફિડેવિટમાં ફોજદારી કેસની વિગતો છુપાવી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
સમન્સ મળ્યા બાદ પણ માહિતી છુપાવી, ક્વોશિંગ પિટીશનમાં સ્ટે ન મળ્યાનો પિટીશનરનો આરોપ, ચૂંટણી રદ કરવાની માંગ સાથે સિનિયર વકીલ શક્તિસિંહ ગોહિલએ કરી દલીલો
Rajkot તા.૧ઃ
રાજ્યસભાના ભાજપના સાંસદ રાજેશ શુક્લને ગુજરાત હાઇકોર્ટેમાં નોટિસ ફટકારી છેે. રાજેશ શુક્લે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરવામાં આવેલી એફિડેવિટ અને તેમાં ફોજદારી કેસ અંગે કોંગ્રેસના વિધાનપક્ષના નેતા તુષાર ચૌધરીએ હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટીશન પર સુનાવણી કરતા હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિન્ટોએ નોટિસ ઈસ્યુ કરી છે.રાજ્યસભાના સભ્ય રાજેશ શુક્લ સામે કોંગ્રેસના વિધાનપક્ષના નેતા તુષાર ચૌધરીએ હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટીશન પર સુનાવણી કરતા હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિન્ટોએ નોટિસ ઈસ્યુ કરી છે.કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ કરેલી પિટીશનમાં રાજેશ શુક્લના રાજ્યસભામાં ભરેલા ઉમેદવારી ફોર્મમાં કરાયેલા એફિડેવિટ સામે ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
પિટીશનકર્તા તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના ઉમેદવાર રાજેશ શુક્લએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલી એફિડેવિટમાં પોતાની સામે કોઈ ફોજદારી કેસ પડતર ન હોવાનું જણાવ્યું હતું. જોકે, પિટીશનમાં દાવો કરવામાં આવ્યો છે કે હકીકતમાં તેમની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ કેસ નોંધાયેલો છે.ફોજદારી કેસની માહિતી છુપાવવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. પિટીશનમાં જણાવ્યા મુજબ, સંબંધિત ગુનાઓ નોંધાયા બાદ રાજેશ શુક્લને સમન્સ પણ મળ્યા હતા. આ ઉપરાંત આ ફરિયાદ રદ કરાવવા માટે તેમણે હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટીશન પણ દાખલ કરી હોવાનું પિટીશનમાં જણાવાયું છે.
જોકે, આ ક્વોશિંગ પિટીશનમાં કોર્ટ તરફથી સ્ટે મળ્યો નથી. પિટીશન કર્તા તરફથી કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી છે કે ફોજદારી કેસ અંગે સંપૂર્ણ જાણકારી હોવા છતાં ઉમેદવારી પત્ર સાથેની એફિડેવિટમાં તેની માહિતી આપવામાં આવી નહોતી. પિટીશનમાં આ બાબતને ગંભીર બેદરકારી ગણાવવામાં આવી છે. આ આધારે રાજેશ શુક્લની ચૂંટણી રદ કરવાની દાદ હાઇકોર્ટ સમક્ષ માંગવામાં આવી છે.આ મામલે તા.૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ એસ.વી. પિન્ટો દ્વારા રાજેશ શુક્લને સમન્સ એટલે કે નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. હવે આ મામલે આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરાશે. કોર્ટમાં પિટીશનર તુષારભાઈ ચૌધરી તરફથી હાઇકોર્ટના સિનિયર એડવોકેટ શક્તિસિંહ ગોહિલ અને ચિંતનભાઈ ચાંપાનેરીએ દલીલો કરી હતી.

