રક્તદાન એ મહાદાન છે, જેનું કોઈ મૂલ્ય આંકી શકતું નથી : સંજય બુહેચા
રક્તદાન એ માનવતાની સૌથી શ્રેષ્ઠ અને નિસ્વાર્થ સેવા છે : સમીર દત્તાણી
Junagadh તા. 15
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ આજે માનવસેવાના અનેક ક્ષેત્રોમાં અવિરત કાર્ય કરી રહી છે, જેમાં રક્તદાન ક્ષેત્રે તેની સેવા વિશેષ નોંધપાત્ર અને વંદનીય બની છે. ગિરનારી ગ્રુપ સતત રક્તદાન કરવા અને કરાવવા માટે નિઃસ્વાર્થ ભાવથી કાર્યરત છે. સંસ્થાના પ્રમુખ સમીરભાઈ દત્તાણી તથા સંજયભાઈ બુહેચાના માર્ગદર્શન અને સંયુક્ત પ્રયાસોથી વર્ષ દરમિયાન અનેક રક્તદાન કેમ્પોનું સફળ આયોજન કરવામાં આવે છે. આ કેમ્પો દ્વારા માત્ર રક્તનો જ સંગ્રહ થતો નથી, પરંતુ સમાજમાં માનવતા, સેવાભાવ અને પરોપકારના સંસ્કારોનું પણ સિંચન થાય છે.
ગિરનારી ગ્રુપ માટે રક્તદાન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ જીવન બચાવવાનો પવિત્ર સંકલ્પ છે. જ્યારે કોઈ દર્દીને ઇમરજન્સીમાં લોહીની જરૂરિયાત ઉભી થાય છે, ત્યારે સંસ્થાના કાર્યકરો દિવસ-રાતની પરવા કર્યા વિના યોગ્ય રક્તદાતાની વ્યવસ્થા કરી દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આશાનું કિરણ બની ઉભા રહે છે. સંસ્થાની આ મહાન સેવામાં જૂનાગઢની અન્ય સેવાકીય સંસ્થાઓ, સમાજના આગેવાનો અને જાગૃત નાગરિકો પણ સહભાગી બની બ્લડ સેન્ટરને જરૂરી રક્ત ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આ સહયોગથી માનવતાનું એક સુંદર અને પ્રેરણાદાયી ચિત્ર સમાજ સમક્ષ ઉપસી રહ્યું છે.
ગિરનારી ગ્રુપના કાર્યકરો માટે દરેક રક્તદાતા એક જીવનદાતા સમાન છે. તેમની દૃષ્ટિએ રક્તદાન એ મહાદાન છે, જે કોઈ અજાણી વ્યક્તિના જીવનમાં નવી આશા અને નવજીવનનો સંચાર કરે છે. સમાજસેવાના આ પવિત્ર માર્ગ પર ગિરનારી ગ્રુપ સતત આગળ વધી રહ્યું છે અને માનવતાની સેવા માટે એક જીવંત પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે. રક્તની એક બોટલ કોઈના શરીરમાં માત્ર લોહી જ નથી પહોંચાડતી, પરંતુ જીવન જીવવાની નવી શક્તિ, પરિવારના ચહેરા પર ખુશી અને માનવતાનો અખંડ સંદેશ પણ પહોંચાડે છે. ગિરનારી ગ્રુપની આ દિવ્ય સેવા ખરેખર સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય છે. “રક્તદાન એ જીવનદાન છે, અને જીવનદાનથી મોટું કોઈ દાન નથી.” આ સૂત્રને સાકાર કરતી ગિરનારી ગ્રુપની સેવાયાત્રા સતત પ્રગતિના નવા શિખરો સર કરી રહી છે.
જૂનાગઢમાં સૌથી વધુ વખત રક્તદાન કેમ્પ
આ વર્ષે ફરી એક વધુ વખત જૂનાગઢમાં સૌથી વધુ રક્તદાન કેમ્પનું આયોજન કરી, અનેક જરૂરિયાતમંદ દર્દીઓને અમૂલ્ય રક્ત પૂરું પાડવા બદલ આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાન દિવસે જૂનાગઢના ધારાસભ્ય, હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સહિતના મહાનુભાવોના હસ્તે ગિરનારી ગ્રુપનું આદર સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

