શિવસાગર મંડળીને ચેકની દોઢી રકમનું વળતર ચૂકવવા હુકમ
Rajkot તા.૩
શહેરની શિવસાગર ક્રેડિટ સોસાયટી લી.માંથી લીધેલ લોન ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા કોર્ટે આરોપીને ૧ વર્ષની સજા અને ચેકની રૂ. ૪,૯૯,૦૦૦ રકમની દોઢી રકમનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.
કેસની હકીકત મુજબ શહેરના જામનગર રોડ, તોપખાના વિસ્તારના રહેવાસી શંકરભાઈ બાબુભાઈ વાઘેલાએ શ્રી શિવસાગર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી.માંથી રૂ. ૯.૩૦ લાખની લોન લીધી હતી. લોનની બાકી રકમ ચૂકવવા રૂ. ૪,૯૯,૦૦૦/- નો ચેક આપ્યો હતો. ચેક રિટર્ન થયો હતો. બાદ સોસાયટીએ વકીલ મારફતે લીગલ નોટિસ પાઠવવા છતાં રકમ ન ચુકવતા સોસાયટીના ઓફિસર કિર્તીભાઈ પટેલે કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન સોસાયટીના એડવોકેટ નિલેશ જી. પટેલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી દલીલ કરી હતી કે ચેક આપીને નાણા ન ચુકવવાના ગુન્હા ગંભીર છે અને બેન્કીંગ વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ટકાવવા કડક સજા જરૂરી છે. સમગ્ર પુરાવા અને દલીલો ધ્યાને લઈ કોર્ટે ઠરાવ્યું કે નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટનો દુરુપયોગ કરનાર પ્રત્યે દયા રાખી શકાય નહીં અને સમાજમાં દાખલો બેસે તે માટે સજા જરૂરી છે. પરિણામે કોર્ટે આરોપી શંકરભાઈ
વાઘેલાને ૧ વર્ષની સાદી કેદની સજા ફરમાવી હતી અને સાથે ફરિયાદી સોસાયટીને ચેકની રકમથી દોઢી એટલે કે રૂ. ૭,૪૮,૫૦૦/નું વળતર ચુકવવાનો પણ હુકમ કર્યો છે. આ ફરિયાદી કો-ઓ. સોસાયટી તરફથી એડવોકેટ નિલેશ જી. પટેલ, નિકુંજ સાકરીયા, રીદ્ધી પીલોજપરા, સહાયકો દિપાલી નકુમ, મહેક ચીકાણી, એશા બુસા રોકાયા હતા.

