(જીજ્ઞેશ પટેલ દ્વારા)
Manavadar તા.૧૬
જુનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત બાંટવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ સતત કાર્યરત હતા.
બાંટવા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ સોમાતસિંહ સીસોદીયા અને કરણભાઈ ભાટિયાને સંયુક્ત રીતે એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લાના ઉરૂલીકાંચન ખાતે દરોડો પાડીને છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી લીધા હતા અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓમાં શાંતીલાલ ઉર્ફે ભીખુભાઈ લાધાભાઈ મકવાણા (ઉંમર ૬૩ વર્ષ) અને તેમના પુત્ર આશીષભાઈ ઉર્ફે ભયલો શાંતીલાલ મકવાણા (ઉંમર ૩૫ વર્ષ) નો સમાવેશ થાય છે. લુહારીકામ કરતા આ પિતા-પુત્ર મૂળ માણાવદર તાલુકાના બાંટવા ગામની સોમનાથ સોસાયટીના વતની છે અને હાલ પુણેમાં આશરો લઈ રહ્યા હતા. તેમની સામે બાંટવા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૪૦૬ (વિશ્વાસઘાત), ૪૨૦ (છેતરપીંડી) અને ૧૧૪ મુજબ ગુનો નોંધાયેલો હતો.
આ સફળ કામગીરી બાંટવા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.વી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. ભરતભાઈ ડાંગર, પો.કોન્સ. સોમાતસિંહ સીસોદીયા અને પો.કોન્સ. કરણભાઈ ભાટિયા સહિતના પોલીસ સ્ટાફે સાથે મળીને પાર પાડી હતી.

