Rajkot, તા. 31
રાજકોટમાં અશાંતધારાની મુદ્દત જાન્યુઆરી-2026માં પૂર્ણ થતા રાજય સરકાર દ્વારા અશાંતધારાની મુદ્દત લંબાવતું નવું જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવેલ હતુ પરંતુ આ નવા જાહેરનામામાં અનેક સોસાયટીઓની બાદબાકી કરી નાંખવામાં આવી છે.
જેના પગલે છેલ્લા બે માસ કરતા પણ વધુ સમયથી આ અશાંતધારા વિસ્તારના દસ્તાવેજો અટકતા દેકારો બોલી જવા પામેલ છે જોકે અશાંતધારાના નવા આ જાહેરનામામાં જે સોસાયટીઓની બાદબાકી થયેલ છે તેને સમાવવા માટે રાજય સરકારમાં નવેસરથી દરખાસ્ત વહીવટ તંત્ર દ્વારા કરી દેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અધિકારીઓની ભુલના પગલે જ અશાંતધારાના નવા જાહેરનામામાં શહેરની અનેક સોસાયટીઓનો છેદ ઉડી જવા પામેલ છે. જેની ગંભીરતા દાખવી આ વિસ્તારના અનેક મિલ્કત દસ્તાવેજોના રજિસ્ટ્રેશન સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા અટકાવી દેવામાં આવેલ છે.
આ પ્રકરણમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજુઆત પહોંચી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રાજકોટ વોર્ડ નં. 2ની 28 સોસાયટીઓમાં ગત તા. 13 જાન્યુઆરીના અશાંતધારાની મુદત પૂર્ણ થયા બાદ રાજય સરકાર દ્વારા નવું જાહેરનામું પ્રસિધ્ધ કરી આ વિસ્તાર માટે અશાંત ધારાની મુદત વધારી તા.16 જાન્યુઆરી 2031 સુધીની કરી દેવામાં આવી છે.
અશાંતધારામાં વધુ નવા વિસ્તારોને સમાવવા માટે અગાઉ પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર તેમજ રાજય સરકારને રજુઆત કરવામાં આવી હતી. ધારાસભ્યોની આ રજુઆત બાદ અશાંતધારામાં નવા વિસ્તારોને સમાવવાના બદલે જે સોસાયટી વિસ્તારોમાં અશાંતધારો હતો તેવી અનેક સોસાયટીઓનો અશાંતધારાના નવા જાહેરનામામાં બાદબાકી કરી નંખાતા અનેક પ્રશ્નો ઉઠયા છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, અશાંતધારાના મામલે હવે નવું જાહેરનામું પ્રસિધ્ધ ન કરાય ત્યાં સુધી આ વિસ્તારોમાં વિધર્મીઓના મિલ્કત દસ્તાવેજોની નોંધણી નહીં કરવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓને તાકીદ કરી દેવામાં આવી છે. અશાંતધારા વિસ્તારમાં છેલ્લા બે માસથી વિધર્મીઓના દસ્તાવેજ પર રોક લગાવી દેવાતા આા વિષય ભારે ચર્ચાનો વિષય બનેલ છે.

