માથામાં હથોડીના ઘા – પીઠ પાછળ ડાબી બાજુએ છરી ભોંકેલી આલુસણાના આધેડની લાશ મળી
Mehsana, તા.૧૬
Mehsana જિલ્લાના કડી તાલુકામાં કાયદાનો ખોંફ મરી પરવાર્યો હોય તેમ પાંચ દિવસમાં તાલુકામાં હત્યાની ત્રીજી ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે તાલુકાના આલુસણા ગામના આધેડની બલાસર નજીક માથામાં હથોડીના ઘા અને પીઠ પાછળ ડાબી બાજુ છરી ભોંકીને હત્યા કરી દેવાતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
કડી તાલુકાના આલુસણા ગામના ઠાકોરવાસમાં રહેતા અને ખેતી કરતા વિષ્ણુજી તખાજી ઠાકોર રવિવારે સાંજે સાડા સાત વાગ્યા બાદ ઘરે શાકભાજી આપીને હું પશુપતી કંપીએ જઈ મચ્છી લઈને આવું છું તમે બધા ખાઈ લેજો તેમ કહીં એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા. તેમનાં પત્ની, પુત્ર પંકજજી સહિત પરિવારજનો જમીને સૂઈ ગયાં હતાં.
દરમિયાન રાત્રે કડી-દેત્રોજ રોડ પર બલાસર ગામના પાટિયા નજીક ગુલાબ ઓઈલ મીલની સામે બાવળોની ઝાડીઓ વાળા ખરાબામાં અવાવરું કાચા રસ્તા પરથી વિષ્ણુજી ઠાકોરની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. વિષ્ણુજીની લાશ જમીન ઉપર ઊંધી પડી હતી અને માથામાંથી લોહી આવતું હતું અને તેમની પીછ પાછળ ડાબી બાજુ છરી ભોંકેલી હતી અને મરણ ગયેલી હાલતમાં હતા.
નજીકમાં તેમનું એક્ટિવા પણ નીચે પડેલું હતું અને તેની બાજમાં એક લોખંડની નાની હથોડી તેમજ એક ટોર્ચ પડેલી હતી. કોઈ અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારોના ઘા ઝીંકીને તેમની નિર્મમ હત્યા કરી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કડીના પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, મૃતકની ઓળખ થતાં અગિયારેક વાગ્યે તેમના પુત્ર પંકજજીને જાણ કરાતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે કુંડાળના સરકારી દવાખાને મોકલી હતી અને પંકજજીની ફરિયાદ લઈ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કડી તાલુકાના અણખોલ પાસે આવેલી એક કંપનીના કમ્પાઉન્ડમાં બુધવાર રાત્રે શ્રમિકો વચ્ચે થયેલા ઝઘડામં એકનું મોત થયું હતું. તેમજ ગુરુવારે રાત્રે નાનીકડી ગામની સીમમાં એક રહેણાંક સ્કીમમાં ચોરી કરતાં પકડાયેલા બે યુવકોને ઢોર માર મારતાં એકનું મોત થયું હતું. જ્યારે રવિવાર રાત્રે બાલાસર ગામની સીમમાં આધેડની હત્યાની ઘટના સામે આવી છે. જેને લઈને પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

