Morbi તા.10
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પીપળી ગામ નજીકની એક સોસાયટી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ પીપળી ગામ પાસેની સોસાયટીમાં રહી મજૂરી કામ કરતાં એક પરિવારની સગીરવયની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.
આ બનાવ અંગે સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમની સામે ફરિયાદ કરતા પોલીસે અપહરણ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તપાસ પીએસઆઇ એચ.એ.જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
મારામારીમાં ઇજા
મોરબીના ન્યુ નવલખી ખાતે થયેલ મારામારીના બનાવમાં સબ્બીર અબ્બાસભાઇ જંગીયા (25) અને અબ્બાસભાઈ સુલેમાનભાઈ જંગીયા (55) નામના પિતા-પુત્રને ઇજા થયેલ હોય બંનેને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
જ્યારે મોરબીના માળિયા મીંયાણા ખાતે રહેતા રફીકભાઈ કાદરભાઈ જેડા નામના 28 વર્ષના યુવાનને વિશાલા હોટલ પાસેથી બુલેટ લઈને જતા વખતે ક્રેટા કારના ચાલકે હડફેટે લેતા સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા.
તેમજ વાંકાનેરના હરેશભાઈ વલ્લભભાઈ વાઘેલા નામના યુવાન ઉપર વાંકાનેર ખાતે છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હતી. જેથી સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.

