New Delhi,તા.09
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલર મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ ઘણો વધી ગયો હતો. હેડે પ્રેસ કોન્ફરન્સમાં કંઈક કહ્યું હતું જેને સિરાજે જુઠ્ઠું ગણાવ્યું હતું. હવે બંને આઇસીસીના રડારમાં આવી ગયાં છે અને બંનેને સજા થઈ શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ વચ્ચે થયેલી બોલાચાલીએ નવો વિવાદ ઉભો કર્યો છે. ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનાં પ્રથમ દાવ દરમિયાન સિરાજે જ્યારે હેડને બોલ્ડ કર્યો ત્યારે બંને વચ્ચે શબ્દયુદ્ધ થઈ હતું. આ કેસ બાદ આઇસીસીની નજર આ બંને પર છે.
ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ જીતીને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. ભારતની બીજી ઈનિંગ દરમિયાન બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી જેમાં હેડને સ્ટમ્પ માઈક પર એવું કહેતાં સાંભળવામાં આવ્યાં હતાં કે કંઈ અંગત નથી.
ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ દરમિયાન સિરાજે 82 મી ઓવરમાં શાનદાર યોર્કર ફેંકીને હેડને આઉટ કર્યો હતો. આ પછી હેડે કંઈક કહ્યું જે પછી સિરાજે પણ થોડાં શબ્દો કહ્યાં અને બહાર જવાનો ઈશારો કર્યો હતો. પછી હેડે જતી વખતે સિરાજને કંઈક કહ્યું હતું. ઓવર પછી સિરાજને ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકોની બૂમાબૂમનો પણ સામનો કરવો પડ્યો હતો.
ડેઈલી ટેલિગ્રાફના અહેવાલ મુજબ સિરાજ અને હેડ બંનેને આઇસીસી દ્વારા શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. જો કે, આ બંને પર કોઈપણ પ્રકારનાં પ્રતિબંધની કોઈ શક્યતા નથી કારણ કે ક્રિકેટમાં આવી ઘટનાઓ બનતી રહે છે. આઇસીસી આ બંનેને ચેતવણી આપીને રજા આપી શકે છે.
આ મામલો મેચનાં બીજા દિવસનો છે. દિવસની રમત સમાપ્ત થયાં બાદ હેડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેણે સિરાજને વેલ બોલ્ડ કહ્યો હતો, પરંતુ ભારતીય બોલરે બિનજરૂરી ગુસ્સો દર્શાવ્યો હતો.
સિરાજે બીજા દિવસે એટલે કે, રવિવારે ફરીથી હેડને જૂઠો કહ્યો અને કહ્યું કે, હેડે તેનાં બિલકુલ વખાણ કર્યા નહોતાં. સિરાજે કહ્યું કે હેડે બીજું કંઈક કહ્યું હતું જેનાં પછી તે ગુસ્સે થઈ ગયો હતો. હેડે આ મેચમાં 140 રનની ઇનિંગ રમી હતી અને તે ફરી એકવાર ભારતની હારનું કારણ બન્યો હતો.

