New Delhi, તા.6
ભારતમાં ચાલુ વર્ષના ચોમાસાએ સાબિત કરી દીધું છે કે માત્ર વૈશ્વિક પેટર્ન પર જ તે નિર્ભર નથી. અલ-નીનો જેવી નેગેટીવ પરિસ્થિતિઓ છતાં લોકલ સિસ્ટમના જોરે મોટાભાગના રાજ્યોમાં સારો વરસાદ થયો છે.
હવામાન નિષ્ણાંતો હવે મોનસુનને પણ `મેઇડ ઇન ઇન્ડિયા’ ગણાવવા લાગ્યા છે અને આ ઘટનાક્રમને ઘણું મહત્વ આપવા લાગ્યા છે. જુલાઇમાં વરસાદના એકથી વધુ રાઉન્ડ વરસવા છતાં હજુ સરેરાશ ખાધ જ છે.
ચોમાસુ હવે નિર્ણાયક તબકકે આવી ગયું છે. બે મહિના પુરા થઇ ગયા છે. જુનની મોટી ખાધ જુલાઇના વરસાદમાં ઘણા અંશે પૂર્ણ થઇ છે છતાં હજુ 11.8 ટકાની ખાધ પ્રવર્તે છે.
હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે ભારતમાં અત્યાર સુધીમાં સરેરાશ 424.9 મીમી વરસાદ થયો છે. સામાન્ય રીતે જુલાઇ અંત સુધીમાં 481.9 મીમી વરસાદ પડે છે. જુનમાં વરસાદી ખાધ 39 ટકા સુધી પહોંચી હતી.

