New Delhi, તા.6
ગુજરાતમાં મેઘરાજાએ બે્રક લીધો છે છતાં દેશના અનેક રાજ્યોમાં મેઘપ્રકોપની હાલત પ્રવર્તી રહી છે. ઉત્તરાખંડ-હિમાચલમાં ભારે વરસાદથી માર્ગો બંધ થવા સાથે યાત્રાળુઓ-પ્રવાસી ફસાયા છે. આસામમાં હજુ ભયાનક પૂર પરિસ્થિતિ યથાવત રહેવા સાથે મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો છે.
ઉત્તરાખંડના અનેક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો પરિણામે જનજીવન અસ્તવ્યસ્ત થવા સાથે યાત્રાળુઓ પણ ફસાયા હતા. કેદારનાથ હાઇવે પર જળબંબાકારની હાલત સર્જાઇ હતી. કાટમાળ રસ્તા પર આવી જતાં માર્ગ બંધ થઇ ગયો હતો. કેદારનાથના મુખ્ય પડાવ એવા સોનપ્રયાગમાં પાર્કિંગ વ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી.
ઉત્તરાખંડ ઉપરાંત ઉત્તર પ્રદેશ, હિમાચલ, પાટનગર દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદી દોર જારી હતો. પ્રર્વતીય-પ્રવાસન રાજ્ય એવા હિમાચલમાં ભારે ખાનાખરાબી રહી છે અને હજુ સંખ્યાબંધ માર્ગ બંધ છે.
બીજી તરફ કેટલાંક દિવસોથી પૂરપ્રકોપ ભોગવી રહેલા આસામમાં પરિસ્થિતિ હજુ પડકારજનક જ બની રહી છે. વરસાદ-પૂરમાં વધુ છ લોકોના મોત થવા સાથે કુલ મૃત્યુઆંક 95 પર પહોંચ્યો હતો.
14 જિલ્લામાં 1.6 લાખ લોકો પ્રભાવિત હતા અને સુરક્ષિત સ્થાનોએ આશરો આપવામાં આવ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં શિવસાગર તથા વિશ્વનાથ જિલ્લામાં બે-બે તથા ગોલાઘાટ અને મોરીગાંવમાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્તો માટે સ્થળાંતર, આર્થિક સહાય સહિતની રાહતો આપવામાં આવી જ છે છતાં નદીઓ ગાંડીતૂર રહેવા સાથે એકધારા વરસાદને કારણે લોકો પ્રભાવિત છે અને પરિસ્થિતિ નોર્મલ થઇ શકતી નથી.

