ફાલ્ગુની વસાવડા (ભાવનગર
આજે મેં મહિનાનો બીજો રવિવાર એટલે કે જેને આખાં વિશ્વમાં મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મા, મમ્મી, મોમ, અને મધર ! આ શબ્દોનો અર્થ એક જ છે! પણ છતાં “મા” બોલવામાં જે આત્મિયતાનો અનુભવ થાય છે, એનો અહેસાસ તો જ્યારે આપણું બાળક મા બોલતા શીખે, ત્યારે જ સમજાય! એટલે બાળક માટે તો મા મમતાની મૂર્તિ, વાત્સલ્યની દેવી વગેરે, પણ મા માટે પણ બાળકથી વધુ કંઈ જ નહીં! અને બીજું જેમ “દિકરી એટલે વહાલનો દરિયો” એવી એક ઉકિત છે, એમ મા એટલે “મહાનતા નો મહેરામણ” અને આ દરેક મા માટે છે! પછી તે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની મા કોકીલાબેન અંબાણી હોય કે ઝૂંપડીમાં ઉછરતાં એક બાળકની મા હોય! ત્યાગ, બલિદાન, સમર્પણ, એ બધાની તો યુગ બદલે એમ વ્યાખ્યા પણ બદલે, ઠીક છે એ બધું, પણ આજ સુધી મને એ સમજાયું નહીં કે, દરેક વખતે બાળકને જન્મ દીધાં પછી એની તરફનાં ખેંચાણને શું માત્ર મમતા નામ આપી શકાય?! ના બિલકુલ નહીં! નવ ચેતનાને જન્મ આપવાનો અને બાળક રુપે બ્રહ્મને ખોળામાં લેવાની જે અનૂભૂતિ છે, એ બીજા એકપણ સુખમાં નથી, અને પછી બાળક તો મોટું થાય છે! પણ મા.. ત્યાંની ત્યાં જ રહે છે! અને એટલે એ દરેક દુઃખ વખતે આડી ઉભી રહે છે.
સર્વ પ્રથમ આપણે સદીનાં મહાનાયક તરીકેનું જેને બિરુદ આપ્યું છે એવાં અમિતાભ બચ્ચને એકવાર કેબીસીના એક એપિસોડમાં મા વિશે સુંદર વાત કરી હતી. એમણે કહ્યું હતું કે આપણી પાસે મા નામની એક અત્યંત પ્રભાવિત નહિ, પણ પ્રકાશિત કરનારી ટેકનોલોજી છે, જેનો કોઈ વિકલ્પ નથી. એનું કનેક્શન કોઈ તાર કે બેટરીથી નથી પણ હૃદયથી છે, અને દુનિયાની એવી કોઈ સમસ્યા નથી જેનો ઉકેલ મા પાસે ના હોય! તેની પાસે સ્પર્શ નામની એક સંજીવની છે, જેના દ્વારા તે પ્રેમ ભર્યો સ્પર્શ કરી અને આપણા દુઃખ ખુદ માટે ડાઉનલોડ કરી લે છે, અને આપણી માટે ખુશીઓ અપલોડ કરે છે. મા એક એવું સ્પર્શ-સંવેદના અને મમતા નું ઝરણું છે, કે જે સાક્ષાત દેખાતી ન હોવા છતાં, તેનું અસ્તિત્વ એક ઝરણા જેમ આપણને સ્પર્શે છે, અને આપણી આસપાસ વહેતું રહે છે, એટલે શાતા આપે છે. મા એટલે મા તેનો દુનિયામાં આજ સુધી બીજો કોઈ વિકલ્પ શોધાયો નથી.
આવાં દિવસે સોશિયલ મીડિયા ખૂબ પ્રભાવિત થઈને મેસેજ મૂકે! અને ઘણાં, યુગ બદલાય ગયો છે, પહેલા મા બે સાડીમાં જીવન પૂરું કરતી અને આજે… તો કોઈ વધતાં જતાં વૃદ્ધાશ્રમ અને એમાં રહેનાર ની વ્યથાને રડે છે! સમાજ માટે વૃદ્ધાશ્રમ બિલકુલ યોગ્ય નથી… તો કોઈ પહેલાં તો માતાનું દૂધ.. અને આજે.. ડાયપર આવી જતાં.. સાચું કહું તો “મા” મહાન કહેવડાવવાં કંઈ જ કરતી નથી! સમાજે મા માટે દસ હાથ વાળી એક સુપર વુમનનું ચિત્રણ કર્યું છે, અને એમાં જે ફીટ હોય એ જ મા! એવો આ બધાં વિધાનનો અર્થ થાય! પતિ ગમે તેવો હોય, સંતાન ગમે તેવાં હોય! આ બધું મુંગા મોઢે સહન કરે એ જ સાચી! પણ એવું શું કામ? વૈજ્ઞાનિક વિકાસનો ઉપયોગ આપણે ન કરી શક્યાં, તો એણે પણ ન કરવો! એવું વલણ જ જનરેશન ગેપ વધારે છે. મારી મા તો હવે નથી, પણ સાવ સાચું કહું, એ ફોટામાં આવી ગઈ ને પછી જ એ વધુ સમજાય છે, અને એવું લાગે કે, કેટલું અલગ અને સૌમાં પોતીકો ભાવ ધરાવતું, એક સહજ અને સરળ ચરિત્ર હતું! લખવા બેસું તો કેટલુંય લખાય , પણ પતિ પરિવારને પૂર્ણ સમર્પિત, અને છતાં ખૂબ જાગૃત કે, એણે અમારામાં અભાવા નો ઈર્ષા કે દ્વેષ નો ભાવ આવવાં દીધો નથી. પુત્રી અને પૂત્રવધૂ માં કોઈ પક્ષપાત નહીં! નરસિંહને ભજ્યો છે એટલે મુક્તિ તો જોઈતી જ નથી! અને ફરીથી જન્મ લેવાનું થાય તો એ જ મા! ઈશ્વર બસ આટલી કૃપા કરજે!
યુગ ખરેખર ઘણો બદલાય ગયો છે, અને આજની પેઢીની અમુક વાતો શીખવા જેવી પણ ખરી! ખાસ કરીને એ પોતાની પત્નીને માન સન્માન આપે છે એ! દરેકમાં બંનેનો નિર્ણય માન્ય, ઘર બંનેનું, સંતાન પણ બંનેનું, તો જવાબદારી પણ બંન્નેની ! ઘણીવાર એવું થાય કે આપણે જે તકલીફ ભોગવી એ બધી જ એમણે પણ ભોગવવી જ જોઈએ! એ સાચું નથી, અને એ ભાવના સમાજમાં શિક્ષણનાં આટલાં વ્યાપ છતાં સ્ત્રી સશક્તિકરણ જોઈએ એટલું થવા દેતી નથી. બીજી વાત એ છે કે આપણી મા ની ઉંમરની દરેક સ્ત્રીમાં મા નું દર્શન કરવું પડશે! ક્યાંક એ પણ ખૂટતું હોય એવું લાગે. હજી વધુ વિચારીએ તો શું બાળપણમાં મા માટે જે લાગણી હોય છે એ આંખી જીંદગી માટે ન હોવી જોઈએ? સમાજમાં જે રીતે વૃદ્ધાશ્રમો ભરાય છે, એ જોતાં એવું લાગે છે કે, શું સમયની સાથે સાથે એ લાગણીમાં પણ ઓટ આવતી હશે? દીકરા દીકરી બંને માટે આ સત્ય છે! સમયની સાથે પરિવર્તન જરૂરી છે ,પણ શું એનાથી જીવન મુલ્યો જ બદલાઈ જાય? શું માતા માટેનો ભાવ કાયમ બની રહેવો ન જોઈએ?; જોકે બધાં એવાં નથી, પણ 60/40 નો રેશિયો તો ખરો જ, અને આ વધતું જશે તો …
મિત્રો યુગ બદલાઇ રહ્યો છે, અને એની સાથે ડગ ભરવા બહુ જરૂરી છે, યુવાનોની વિચારધારાને સમજવી પડશે. ક્યાંક આપણે બનાવેલા સ્ત્રી કે માતાનાં ચોકઠાઓ માથી સ્ત્રી કે માતા બહાર નીકળી, અને કંઈક અલગ અને નવું કરવાની કોશિશ કરે, તો તેને વધાવવી પડશે. નહીં તો આપણે પાછળ રહી જશું, અને દુનિયા આગળ નીકળી જશે, અને માત્ર ઘર્ષણ કે હુંસાતુસી સિવાય કંઈ નહીં રહે!: બીજી એક વાત કે જે સમાજમાં સદીઓથી ચાલે છે, એટલે કે વહુ અને દીકરી વચ્ચે પક્ષપાત, એ છોડવો પડશે. પોતાની દીકરીને દુનિયાની બધી સગવડતા ભોગવવાનો અધિકાર છે, અને વહુ એ તો એના નિશ્ચિત ચોકઠાંમાં જ જીવવાનું હોય, એવી આપણી માન્યતા હવે આપણે તોડવી પડશે. ઘણીવાર એવું લાગે કે આજનાં યુવાનો આપણો મત લેતા નથી, અથવા આપણા સુઝાવ પ્રમાણે જીવતા નથી, પણ જરાક વિચારીએ તો એના આવું કરવાં પાછળ ક્યાંક આપણે તો જવાબદાર નથી ને ? કર્તવ્યનાં નામે ઘણી અપેક્ષાઓ આપણાં સુઝાવમાં હોય છે,અને એ પણ અહમ આગ્રહને કારણે, તો પછી તો એ તૂટવાની જ છે. મધર્સ ડે ને સાચી રીતે ઉજવવો હોય તો, દરેક જણાં પોતાની માતા સાથેના સંસ્મરણો વાગોળે, અને ભૂતકાળમાં કંઈ ચૂક રહી ગઈ હોય તો તેને ન્યાય આપવા માટે, પોતાની પત્ની કે જે પોતાનાં સંતાનોની માતા છે, તેનો પણ આદર કરે, તેનાં શરીરમાં પણ એક ધબકતું હૃદય છે, એ સમજી કોઈવાર નાની મોટી ચૂક થઈ જાય તો, એની માટે ઇટ્સ ઓકે કહેવાની ઉદારતા દાખવે,અને પરિવારમાં દીકરી અને દીકરાની વહુ બંનેને સરખો હક અને અધિકાર આપીએ, આવું બધું કરવાનો સમય હવે આવી ગયો છે. તો પરિવર્તનના આ દોરને આપણે સૌ સમજીને, આપણી જૂની રૂઢિ કે માન્યતાઓમાં સુધાર કરીએ, અને મા નો ખરેખર કોઈ વિકલ્પ નથી,પણ એ વિકલ્પ ને કોઈ અન્યાય ન કરવાનો સંકલ્પ કરીએ. જય હિન્દ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર

