New Delhi,તા.03
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.6ના જમ્મુના કતરાની મુલાકાત લેશે. ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાનની આ પ્રથમ જમ્મુ-કાશ્મીર મુલાકાત હશે. શ્રી મોદી કતરા (વૈષ્ણોદેવી)થી શ્રીનગર વચ્ચે વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપશે.
કાશ્મીરને દેશના અન્ય ભાગોથી રેલમાર્ગે જોડવાના 42 વર્ષ પુર્વેના પ્રોજેકટ હવે સાકાર થશે. અગાઉ તા.19 એપ્રિલના આ ટ્રેનને લીલીઝંડી આપવા વડાપ્રધાન શ્રી મોદી કાશ્મીર જવાના હતા પણ ખરાબ હવામાનના કારણે તેમનો પ્રવાસ મુલત્વી રહ્યો હતો. તે બાદ તા.21 એપ્રિલના રોજ પહેલગામ હુમલો થતા ભારત અને પાકિસ્તાન વચ્ચે મીની યુદ્ધ પણ ખેલાઈ ગયુ હતું.
શુક્રવારે શ્રી મોદીની કતરા મુલાકાત પુર્વેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે હજુ વડાપ્રધાન કાર્યાલય તરફી વડાપ્રધાનના કાર્યક્રમની જાહેરાત થઈ નથી અને સંભવિત તારીખમાં તા.6થી8 જુન પણ દર્શાવાઈ છે.
હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ બે દિવસ શ્રીનગર સહિતની મુલાકાતે જઈ આવ્યા હતા અને જમ્મુથી શ્રીનગરની પીર ભવાની યાત્રા પણ આજથી શરૂ થઈ છે.
કતરા-શ્રીનગર-ઉધમપુર-બારામુલ્લા રેલ પ્રોજેકટ 272 કિમીનો છે. જેમાં 119 કી.મી. ટનેલ બનાવાઈ છે અને બે એન્જીનીયરીંગના કમાલ જેવા વિશ્વનો સૌથી ઉંચો રેલવે પુલ ચેનાબ-બ્રીજ તથા અન્ય એક બ્રીજ બનાવાય છે. 467 મિટર ઉંચો આ બ્રીજ વિશ્વનો અજોડ છે.