New Delhi, તા. 10
લાલ સમુદ્રમાં વધી રહેલાં હૂથી બળવાખોરોના ખતરા વચ્ચે ભારતીય નૌકાદળે પોતાનાં દરિયાઈ હિતો અને ઊર્જા પુરવઠાની સુરક્ષા માટે સીધું એક્શન મોડ અપનાવ્યું છે. તાજેતરમાં બાબ-અલ-મંદેબ જેવા અત્યંત સંવેદનશીલ અને જોખમી જળડમરૂમધ્ય વિસ્તારમાંથી ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો INS ત્રિશૂલ અને INS આદિત્ય એ 9 અને 10 ઓગસ્ટ દરમિયાન ભારતીય હિતો સાથે જોડાયેલા બે ક્રૂડ ઓઇલ ટેન્કરો – MT Compass અને MT Thalatta ને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં છે.
આ સીધી લશ્કરી કાર્યવાહી પાછળ તાજેતરમાં બનેલી એક ગંભીર ઘટના જવાબદાર છે. યમન નજીક ભારતીય ધ્વજ ધરાવતાં એક જહાજ પર હુમલો થયો હતો અને તે સમુદ્રમાં ડૂબી ગયું હતું.
જોકે, ભારતીય નૌકાદળ દ્વારા તે જહાજ પરનાં તમામ 14 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતાં. યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારે આ હુમલા માટે ઈરાન સમર્થિત હૂથી બળવાખોરોને જવાબદાર ઠેરવ્યાં છે, જેમણે અગાઉ લાલ સમુદ્રનાં બંદરો સામે નાકાબંધીની જાહેરાત પણ કરી હતી.
વૈશ્વિક તેલ વેપાર માટે બાબ-અલ-મંદેબ જળડમરૂમધ્ય ખૂબ જ મહત્વપૂર્ણ ચોકપોઇન્ટ ગણાય છે, જે લાલ સમુદ્રને અડેનની ખાડી સાથે જોડે છે. ઈરાન દ્વારા હોર્મુઝ જળડમરૂમધ્ય પર સર્જાયેલા તણાવ અને બ્લોકેજ બાદ સાઉદી અરેબિયા સહિતનાં દેશોએ તેલ નિકાસ માટે લાલ સમુદ્રનાં માર્ગનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, હવે હૂથીઓના સતત હુમલાઓને કારણે હોર્મુઝ અને લાલ સમુદ્ર બંને મુખ્ય વેપારી માર્ગો એકસાથે અસ્થિર થઈ ગયાં છે.
આ પરિસ્થિતિને કારણે મધ્ય પૂર્વનો સંઘર્ષ હવે ભારતની ઊર્જા સુરક્ષા સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધી દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા કે અન્ય દેશો પર નિર્ભર રહેતું ભારત હવે પોતાની સુરક્ષા જાતે કરવાનાં મૂડમાં છે.
હાઇ-રિસ્ક ઝોનમાં ભારતીય નૌકાદળનું આ સીધું એસ્કોર્ટ ઓપરેશન એ સ્પષ્ટ સંકેત આપે છે કે ભારત પોતાનાં વેપારી જહાજો અને ઊર્જા પુરવઠાની રક્ષા માટે હવે આત્મનિર્ભર અને સક્રિય બની ગયું છે.

