New Delhi, તા.1
નવા નાણાંકીય વર્ષમાં આરબીઆઇએ લોન અને બેન્કીંગ સિસ્ટમમાં અનેક જરૂરી ફેરફાર લાગુ કર્યા છે. જે અંતર્ગત હવે સમય પહેલા લોન ચુકવનારા ગ્રાહકોને કોઇ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો નહીં પડે.
આ જોગવાઇ 1-જાન્યુઆરી-2026થી સ્વીકૃત કે રિન્યુ કરવામાં આવેલ ફ્લોટીંગ દરવાળી લોન પર લાગુ થશે. તેમાં આવાસ, વાહન, વ્યક્તિગત અને શિક્ષણ લોન સામેલ છે. અત્યાર સુધી બેન્ક અને નાણાંકીય સંસ્થાન સમયથી પહેલા લોન ચૂકવવા પર કુલ બાકી રકમના 2 થી 5 ટકા દંડ લગાવતા હતા.
દાખલા તરીકે જો કોઇ ગ્રાહકની 10 લાખ રૂપિયાની લોન બાકી છે અને તે તેને લમ્પસમ પેમેન્ટથી જલદી ચૂકવવા માંગે છે. તો પાંચ ટકાના હિસાબે 50 હજાર રૂપિયા તેને વધારાના ચૂકવવા પડે. નવા ફેરફારથી ગ્રાહકોને વધુ લચિલાપન મળશે અને તે વ્યાજનો બોજ ઘટાડી શકશે.
દર 7 દિવસે સિબિલ સ્કોર અપડેટ થશે
આ ઉપરાંત સૌથી મોટો ફેરફાર ક્રેડીટ સ્કોરને લઇને કરાયો છે. હવે ગ્રાહકોનો સિબિલ સ્કોર દર મહિને માત્ર એકવાર નહીં, બલ્કે દર 7 દિવસે અપડેટ થશે. આ પ્રક્રિયા મહિનાની 7, 14, 21 અને 28 તારીખે પૂરી થશે.
આ ફેરફારથી જે લોકો પોતાનો સ્કોર સુધારવાની કોશિષ કરી રહ્યા છે તેમને જલ્દી પરિણામ જોવા મળશે, જો કે પેમેન્ટમાં વિલંબ કે ચૂકની જાણકારી પણ એટલી જ ઝડપથી નોંધાશે, જેથી ઝડપથી સ્કોર ઘટી શકે છે.

