એસએમસીએ દરોડો પાડી ૭૩૯ બોટલ દારૂ, બાઈક અને મોબાઈલ મળી રૂા.૧૧.૫૬ લાખનો મુદામાલ કબ્જે
Rajkot, તા.૧૫
લોધિકા તાલુકાના માખાવડ ગામે ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા.૧૧.૧૬ લાખની કિંમતો ૭૩૯ બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટનો અજય ભરડવાની ધરપકડ કરી દારૂ, બાઈક અને મોબાઈલ મળી ૧૧.૫૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે જ્યારે નાસી છૂટેલા સપ્લાયર ઉમંગ પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દારૂબંધીનો કડક અમલ કરવા રાજ્યના ડીજીપીએ આપેલી સુચનાને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિરજા ગોટુરે આપેલી માહિતીના આધારે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધરવામાં આપેલી સુચનાને પગલે પીએસઆઈ એસ.વી.ગલચર સહિતના સ્ટાફ દ્વારા રાજકોટ જીલ્લામાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ ત્યારે લોધીકા નજીક માખાવડ ગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમ્યાન રૂા.૧૧.૧૬ લાખની કિંમતનો ૭૩૯ બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટ શહેરના ઉમૈયા ચોક પાસે જશરાજ શેરી નં.૪ માં રહેતો અજય રમેશ સરડવાની ધરપકડ કરી રૂા.૧૧.૫૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા અજય ભરડવાની પ્રાથમીક પુછપરછમાં આ દારૂનો જથ્થો રાજકોટના મોવડી વિસ્તારમાં આવેલા ઉમૈયા ચોક પાસે રહેતો ઉમંગ કમાણી પટેલ નામના શખ્સનો હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે.

