નોકરીથી છૂટીને ઘરે જતી વેળાએ પ્રૌઢને નડ્યો અકસ્માત, પરિવારમાં શોક
Rajkot,તા.27
શહેરના માંડા ડુંગર નજીક આવેલ હાઇવે સર્વિસ રોડ પર પ્રૌઢ નોકરી પૂરી કરીને પગપાળા ઘરે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેમને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં ઘવાયેલા પ્રોઢને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ટ્રકચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, માંડા ડુંગર વિસ્તારમાં આવેલી સુંદરમ સોસાયટીમાં રહેતા રવજીભાઈ વાલજીભાઈ પરમાર (ઉં.વ. ૫૮) સાંજના આશરે ૫:૩૦ વાગ્યાના સુમારે તેઓ પોતાની નોકરી પૂરી કરીને ચાલીને ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન, ભવાની કારખાના સામે હાઇવેના સર્વિસ રોડ પર પહોંચતા જ પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા ટ્રકના ચાલકે રવજીભાઈને અડફેટે લેતા રવજીભાઈ રોડ પર ફંગોળાઈ ગયા હતા, ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક રવજીભાઈ ભવાની કારખાનાના બગીચામાં માળી તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. હાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

