Surat, તા.૩૦
શહેરના મોટા વરાછા જેવા પોશ વિસ્તારમાં માત્ર મહિલાઓ માટે ચાલતી એક હાઈપ્રોફાઈલ જુગારક્લબ પર ઉત્રાણ પોલીસે દરોડો પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસે આલીશાન સેન્ટોસા હાઈટ્સ બિલ્ડિંગના એક ફ્લેટમાં એસીની ફૂલ ગુલાબી ઠંડકમાં બેસીને ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતી ફ્લેટ માલિકની પત્ની સહિત કુલ ૭ હાઈપ્રોફાઈલ મહિલાઓને રંગેહાથ ઝડપી પાડી છે.ઉત્રાણ પોલીસને ચોક્કસ ઇનપુટ મળ્યાં હતાં કે, આ બિલ્ડિંગમાં એક મહિલા બહારથી લેડીઝ ગેંગને બોલાવીને જુગારનો અડ્ડો ચલાવે છે.
ઇનપુટ્સના આધારે પોલીસે મહિલા પોલીસ સ્ટાફને સાથે રાખી ફ્લેટ પર આયોજનબદ્ધ રેડ કરી દરવાજો ખોલાવતા જ હોલમાં પત્તા પર રૂપિયાની હારજીતનો જુગાર રમતી મહિલાઓમાં ભારે ફફડાટ મચી ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલી આ તમામ મહિલાઓ મૂળ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની વતની છે અને હાલ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં સ્થાયી થયેલી છે. પોલીસે જુગારના ટેબલ પરથી તેમજ મહિલાઓની અંગઝડતીમાંથી ૨૦,૪૩૦ની રોકડ અને ૨૧,૦૦૦ની કિંમતના ૫ નંગ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી કુલ ૪૫,૪૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સાતેય મહિલાઓ વિરુદ્ધ જુગારધારાની કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોશ બિલ્ડિંગમાં મહિલાઓનું જુગારધામ પકડાતા સમગ્ર વરાછા વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

