Porbandar, તા.22
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 7 મી વખત કૂતરાના ખસીકરણ અંગેનું ટેન્ડર હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ આ ટેન્ડરની મુદત વધારવાની ફરજ પડી છે. ત્યારે મનપા દ્વારા આ ટેન્ડરની 30 દિવસની મુદત વધારાઈ છે.
પોરબંદર શહેરમાં રઝળતા પશુઓ બાદ કૂતરાનો આતંક વધ્યો છે. શહેરમાં રોજ 10 થી 20 લોકોને રઝળતા કૂતરા કરડતા હોવાના કેશ સરકારી હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે ત્યારે શહેરમાં રઝળતા કૂતરાના આતંકને અંકુશમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા કૂતરાના ખસીકરણની કામગીરી માટે છેલ્લા ઘણા સમયથી ટેન્ડર હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ આ ટેન્ડરમાં એજન્સી ન આવતા વારે વારે ટેન્ડર કરવાની ફરજ પડી રહી છે.
તાજેતરમાં મનપા દ્વારા કૂતરાના ખસીકરણ માટે ટેન્ડર હાથ ધર્યું હતું અને આ ટેન્ડરમાં 3 એજન્સીએ ભાગ પણ લીધો હતો પરંતુ ટેક્નિકલ કારણોસર આ ટેન્ડર રદ કરવાની ફરજ પડી હતી અને ફરી 7 મી વખત મનપા દ્વારા ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આવી હતી અને આ ટેન્ડર 9 એપ્રિલ સુધીની મુદત હતી પરંતુ આ મુદત દરમ્યાન એકપણ એજન્સી ન આવતા ટેન્ડરની મુદતમાં 30 દિવસનો વધારો કરી અને 11 મેં સુધી મુદત કરવામાં આવી છે.

