Rajkot, તા.20
મધ્યપૂર્વમાં યુધ્ધને કારણે ભારત સહિત દુનિયાભરમાં ઉભા થયેલા ગેસ સંકટને કારણે ઉદ્યોગોને પણ મરણતોલ ફટકો છે. પાઇપલાઇનથી ગેસ મેળવતા ઉદ્યોગોને 80 ટકા ગેસ સપ્લાય કરી દેવાતા રાહત છે પરંતુ સિલિન્ડર ગેસ વાયરણ ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા છે જેને પગલે રાજકોટના ઉદ્યોગકારોએ ધારાસભ્ય રમેશ ટીલાળાને સાથે રાખીને રૂબરૂ રજુઆત કરી હતી.
રાજકોટની ભાગોળે શાપરમાં ઉદ્યોગોને પાઇપથી ગેસ મળે છે. યુધ્ધ પછી પુરવઠામાં કાપ મુકી દેવાયો હતો ત્યારે ઉહાપોહ થતાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ પ્રતિનિધિ મંડળને સાથે રાખીને સરકારમાં રજુઆત કરી હતી તેના પરિણામે ગેસ સપ્લાય 50 ટકાથી વધારીને 80 ટકા કરી દેવામાં આવી હતી. છેલ્લા છ માસના વપરાશની સરેરાશનો 80 ટકા ગેસ ઉપયોગમાં લેવાની છૂટ આપવામાં આવી હતી.
એટલે શાપર-મેટોડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ઉદ્યોગકારોને રાહત થઇ હતી અને ઘણાઅંશે ઉત્પાદનનો ધમધમાટ નોર્મલ થઇ શક્યો હતો પરંતુ પાઇપલાઇન સુવિધા નથી તેવા ઔદ્યોગિક વિસ્તારોની હાલત ખરાબ છે. શાપર પછી આવતા હડમતાળા, રીબડા, રાવકી સહિતની ઔદ્યોગિક વસાહતોના 800 કારખાના ઠપ્પ થયા છે અને એકાદ લાખ લોકોની રોજગારી પર સંકટ છે.
આ કારખાનામાં સિલીન્ડરથી ગેસ સપ્લાય થાય છે જે પખવાડિયાથી બંધ છે. સિલીન્ડરથી ગેસ મેળવતા ઉદ્યોગોના પ્રતિનિધિઓએ ધારાસભ્યને સાથે રાખી ઉર્જા-પેટ્રોકેમીક્લ્સ મંત્રી કૌશિક વેકરીયા ઉપરાંત સચિવ મોના ખંધાર તથા ગુજરાત ગેસના અધિકારીઓને મળ્યા હતા. ઉદ્યોગો પરની ઇફેક્ટ વિશે ધ્યાન દોરી સીલીન્ડર સપ્લાય ચાલુ કરવા રજુઆત કરી હતી. આ સિવાય શાપરથી આગળ પણ 8-9 મહિનાથી ગેસ લાઇનનું કામ ચાલુ જ છે તે ઝડપથી પૂર્ણ થાય તેવી પણ રજુઆત કરી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓ કે.સી. ચોવટીયા, મહેશ સાવલીયા, દુષ્યંત ટીલાળા, રાજેશ હપાણી, વાલજીભાઇ લક્કડ વગેરે હાજર હતા.
ડોમેસ્ટીક વપરાશને અગ્રતા; યોગ્ય સમયે નિર્ણય: આશ્વાસન
ઉદ્યોગ સૂત્રોએ કહ્યું કે સિલીન્ડરથી ગેસ મેળવવા ઉદ્યોગકારોએ કારખાનાઓ-ઉત્પાદન ઠપ્પ હોવાની દલીલ કરીને સરકાર સમક્ષ સપ્લાય ફરી શરુ કરવાની માંગ કરી હતી. કંપની અધિકારીઓએ નિખાલસ રીતે વાસ્તવિક ચિત્ર રજુ કરાયું હતું. ગેસની હાલતૂર્ત અછત નથી પરંતુ અનિશ્ર્ચિત માહોલને ધ્યાને રાખીને ડોમેસ્ટીક-ઘર વપરાશના ગેસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઔદ્યોગિક ક્ષેત્રને સિલીન્ડરથી ગેસ આપવાનું હાલ તૂર્ત મુશ્કેલ છે. ભવિષ્યમાં યોગ્ય સમયે વિચારાશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી.

