Russia,તા.13
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ગુરુવાર, 13 ઓગસ્ટે પ્રથમ વખત દેશના પૂર્વ સરહદ પર આવેલા વિવાદિત કુરીલ દ્વીપસમૂહના પ્રવાસે પહોંચ્યા હતા. પુતિનની આ મુલાકાતને પગલે જાપાને ભારે નારાજગી વ્યક્ત કરીને રશિયા સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. રશિયન પ્રમુખ ભવન ક્રેમલિન દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, પુતિને ત્યાં એક ફિશ પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગીએ વિરોધ વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું છે કે ‘ઉત્તરીય ક્ષેત્ર’ (નોર્ધર્ન ટેરિટરીઝ) ઈતિહાસ અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ જાપાનનો જ ભાગ છે. તેથી જ જાપાને પુતિનની આ મુલાકાત સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રશિયા અને જાપાન વચ્ચેના સંબંધો વધારે ખરાબ થયા છે, જ્યારે બીજી તરફ આ સમય દરમિયાન રશિયાની ચીન અને ઉત્તર કોરિયા સાથેની નજીકતા વધુ વધી છે.
રશિયા અને જાપાન વચ્ચે આ ટાપુઓને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જાપાન આ ટાપુઓને પોતાનું ‘ઉત્તરીય ક્ષેત્ર’ ગણાવે છે, જ્યારે 1945માં બીજા વિશ્વયુદ્ધના અંતિમ દિવસોમાં સોવિયત યુનિયને તેના પર કબજો કરી લીધો હતો. અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પર પરમાણુ બોમ્બ ફેંક્યો, તેના થોડા જ દિવસો બાદ 8 ઓગસ્ટ, 1945ના રોજ સોવિયત નેતા જોસેફ સ્ટોલિને જાપાન સામે યુદ્ધ જાહેર કર્યું હતું.
કુરીલ ટાપુઓ રશિયાના કામચટકા દ્વીપકલ્પથી લઈને જાપાનના હોક્કાઈડો સુધી ફેલાયેલા જ્વાળામુખી ટાપુઓની એક લાંબી શ્રૃંખલા છે. આ ટાપુઓને રશિયામાં કુનાશિર, હાબોમાઈ, શિકોતાન અને ઇતુરુપ કહેવાય છે, જ્યારે જાપાનમાં તે કુનાશિરી, હાબોમાઈ, શિકોતાન અને એતોરોફુ તરીકે ઓળખાય છે. હાલમાં આ ચાર ટાપુઓ પર આશરે 20,000 રશિયન નાગરિકો વસે છે. અહીંનું વાતાવરણ ખૂબ જ કઠોર હોવા છતાં, આ ટાપુઓ સોના-ચાંદી જેવા કિંમતી ખનિજોથી સમૃદ્ધ છે અને તેની આસપાસનો સમુદ્ર માછલીઓના વિપુલ પ્રમાણ માટે જાણીતો છે.

