સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ તીક્ષણ હથિયારથી કર્યો હિંસક હુમલો, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો
Rajkot,તા.15
શહેરના કોઠારીયા સોલવંટ વિસ્તારમાં આવેલી શીતળાધાર શેરીમાં જૂની અદાવતનો ખાર રાખી એક પરિવાર પર હિંસક હુમલો થવાની ઘટના સામે આવી છે. ત્રણ વર્ષ પહેલા થયેલા ઝઘડા અને હાલ કોર્ટમાં ચાલતા કેસની અદાવત રાખી સાતથી વધુ શખ્સોએ કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવી તલવાર, ફરસી અને લાકડીઓ વડે પિતા-પુત્ર અને અન્ય એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ભીખાભાઈ જીવણભાઈ મીર (ઉ.વ. ૪૨)ની નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યે તેઓ પોતાના ઘર પાસે બાંકડા પર બેઠા હતા. તે સમયે ત્રણ વર્ષ પહેલા તેમના મોટાભાઈ નારણભાઈનું હાજાભાઈ રામાભાઈ જોગરાણા સાથે ઝઘડો થયો હતો જેનો કેસ કોર્ટમાં ચાલુ છે જેનો ખાર રાખી હાજાભાઈ રામાભાઈ જોગરાણા, તેજાભાઈ વશરામભાઈ જોગરાણા, રામાભાઈ જોગરાણા અને તેમના પુત્રો સહિતના શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ભીખાભાઈ પર અચાનક હુમલો કર્યો હતો. હાજાભાઈએ તલવારનો ઘા ભીખાભાઈના માથામાં ઝીંક્યો હતો, જ્યારે અન્ય આરોપીઓએ લાકડી અને ફરસી વડે આડેધડ માર માર્યો હતો. પિતાને બચાવવા વચ્ચે પડેલા ૨૧ વર્ષીય પુત્ર વિશાલ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા છે. આ ઉપરાંત ફરિયાદીના મોટાભાઈ દેવુભાઈને પણ પગમાં લાકડીના ઘા મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. હુમલો કર્યા બાદ તમામ શખ્સો ત્યાં ઉભેલી કાળા રંગની સ્કોર્પિયો કારમાં બેસી નાસી છૂટ્યા હતા. હુમલામાં ભીખાભાઈને ડાબા પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ છે. ઘટના બાદ ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. રાજકોટ પોલીસે આ મામલે ૪ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાહેરનામાના ભંગ અને ઘાતક હથિયારો વડે હુમલો કરનાર શખ્સોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

