વોર્ડ નં.૧૨ના સર્વોદય રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે ૨.૨૩ કરોડના ખર્ચે ચોમાસા બાદ લાઇન પથરાશે થર્મોપ્લાસ્ટના ભાવ તો ૩૪.૩૪ ટકા ઓછા આવ્યા તમામ ૯ દરખાસ્ત બહાલ
Rajkot , તા.૨૯
મહાપાલિકાની સ્ટે. કમીટીની આજે મળેલી મીટીંગમાં ચેરમેન પરેશ પીપળીયાએ તમામ ૧૩ દરખાસ્તો સાથે ૪.ર૦ કરોડના વિકાસ કામોને મંજૂરી આપી હતી. વેસ્ટ ઝોનના વોર્ડ નં.૧રમાં સર્વોદય સ્કુલથી આગળ જતા રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ર.ર૩ કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.
જે પાઇપલાઇનનું કામ ચોમાસા બાદ શરૂ થશે તેવું ચેરમેને કહ્યું હતું, સ્ટોર્મ વોટર પાઇપલાઇન અને થર્મોપ્લાસ્ટ માર્કિંગના કામમાં ર૦ થી ૩પ ટકા ઓછા ભાવ મળતા અધિકારીઓના અંદાજ કેટલા ઉંચા છે તે ફરી દેખાયું હતું. કુલ બે દરખાસ્તમાં ૧.૧૭ કરોડની બચત સવા ચાર કરોડના મંજૂર વિકાસ કામો સામે થઇ છે!
વોર્ડ નં.૧રમાં સર્વોદય સ્કુલથી રાધે રાધે પાર્ટી પ્લોટ સુધી તથા ઓમ પાર્ક મેઇન રોડ અને નંદનવન મેઇન રોડ પર વરસાદી પાણીન ભરાવવાની સમસ્યા છે. આથી આ સમસ્યા નવા વિકસતા વિસ્તારમાં પહેલેથી હળવી રહે તે માટે સ્ટોર્મ વોટર લાઇન નાંખવા ર.૭૯ કરોડનું ટેન્ડર બહાર પડાયું હતું. પરંતુ સિધ્ધનાથ ક્ધસ. નામની પેઢીએ ૧૯.૯૧ ટકા ઓછા ભાવ એટલે કે ર.ર૩ કરોડમાં કામ કરી દેવા તૈયારી દર્શાવી છે.
આ રોડ પરથી પાણીનું વહેણ પસાર થતું હોય લાઇનથી વરસાદી પાણીના નિકાલ અને ટ્રાફિક પરિવહનમાં સરળતા રહેશે. ર૯૦૦ રનીંગ મીટરમાં ૬૦૦ એમએમ, પ૦ મીટરમાં ૪પ૦ અને ૮પ૦ રનીંગ મીટરમાં ૩૦૦ એમએમ ડાયાના પાઇપ નાખવામાં આવશે તેમ પરેશ પીપળીયાએ કહ્યું હતું. વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવે કહ્યું હતું કે, આજુબાજુ ૧૦ સોસાયટી અને હાઇરાઇઝ બિલ્ડીંગ આવેલા છે. હજુ નવો વિસ્તાર વિકસે છે અને હાલ દસેક હજાર લોકોનો વસવાટ છે. આસોપાલવ, બાલાજી, પ્રમુખ એકઝોટીકા, નંદનવન, ઓમ, શિવમ પાર્ક સહિતના વિસ્તારોને આ લાઇનનો લાભ થશે. ભવિષ્યમાં અહીં ૮૦ ફુટનો રોડ પણ બનવાનો છે.
આજની મીટીંગમાં ત્રણે ઝોનના જુદા જુદા રસ્તાઓ અને વિસ્તારમાં થર્મોપ્લાસ્ટથી રોડ માર્કિંગના કામ માટે ૧.૭પ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. આ સામે પ્લેટીનમ ક્ધસ. કંપનીએ ૩૪.૩૪ ટકા ઓછા ભાવે એટલે કે ૧.૧૪ કરોડમાં કામ કરી આપવા ઓફર આવતા આ ટેન્ડરમાં પણ મનપાને મોટો ફાયદો થયો છે. ઇસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં રોડ માર્કિંગના કામની ગ્રાન્ટ મંજૂર થઇ છે. રાહદારીઓ અને વાહન ચાલકોની સરળતા માટે રસ્તાની સાઇડમાં પીળા પાર્કિંગ પટ્ટા, વ્હાઇટ સેન્ટર લાઇન બનાવવામાં આવશે.
મનપાની જુદી જુદી શાખાના જુના રદ્દી રેકોર્ડ, છાપાની પસ્તી, મેગેઝીન બુકસ વગેરે વેંચાણથી આપવા બે વર્ષનો કોન્ટ્રાકટ આજે મંજૂર કરાયો છે. છાપાની પસ્તી, મેગેઝીન, જુની બુકસ, રદ્દી ઓફિસ રેકોર્ડ, ઓફિસ ફાઇલ, રસીદ બુકસ પ્રતિ કિલો રૂા. ર૧.પ૧ના ભાવે મહાપાલિકા બે વર્ષ સુધી ગુજરાત વેસ્ટેજ સપ્લાય નામની એજન્સીને વેંચશે અને કોર્પો.ને લાભ મળશે.
વોર્ડ નં.૩માં પોપટપરા-૪માં ૨૫.૦૪ લાખના ખર્ચે અને વોર્ડ નં.૩ તિલક પ્લોટ-૧માં ર૦.૮ર લાખના ખર્ચે નવી આંગણવાડી બનાવવાનું સ્ટે.કમીટીએ મંજૂર કર્યુ છે. તો વોર્ડ નં.૧પના ગંજીવાડા ૧ થી ૭માં ડ્રેનેજની પાઇપલાઇન અપગ્રેડ કરવા ૧૪.ર૦ લાખ, વોર્ડ નં.૧૬માં ખાનગીકરણથી ડ્રેનેજ ફરીયાદ નિકાલનો કોન્ટ્રાકટ આપવા ર૧.૯૩ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.
મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના જુદા જુદા વોર્ડના વપરાશ માટે સાવરણા, પાવડા સહિતના અલગ અલગ ૩૭ સાધનો સપ્લાય કરવાનો દ્વિવાર્ષિક કોન્ટ્રાકટ આજે સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો છે. પ.૦પ ટકા ડાઉન ભાવથી સોમનાથ એન્ટરપ્રાઇઝને આ કામ આપવામાં આવ્યું છે.
અલગ અલગ પ્રકારના લાકડાના લાંબા સાવરણા રૂા.૮૦-૮૦ લેખે, નાના સાવરણા રૂા.૬૦, પાવડા રૂા.૧૦૪, ત્રિકમ રૂા.ર૭૪, બકેટ, હેન્ડલ, પાવડા, ડ્રેનેજના સાધન, પ્લાસ્ટીક બ્રુમ, બ્રશ સહિત ૩૭ સાધનો બે વર્ષ સુધી ખરીદવા મંજૂરી અપાઇ છે. જે સાધનના ભાવ રૂા.૩ થી માંડી રૂા.પ૪૦ જેટલા મંજૂર કરાયા છે. ૧૩માં માસથી ૩ ટકાનો વધારો વાર્ષિક રૂા.૧પ લાખની બજેટ મર્યાદામાં કરવામાં આવશે.
આંગણવાડીના ૩ થી ૬ વર્ષના લાભાર્થી બાળકોને સરકાર દ્વારા નકકી કરાયેલ મેનુ તથા ભાવો મુજબ પુરક પોષણ આહાર પુરો પાડવાનો કોન્ટ્રાકટ પણ આજે બહાલ કરીને પારસ એગ્રો સોસાયટીને કામ આપવામાં આવ્યાનું સ્ટે.ચેરમેન પરેશ પીપળીયાએ કહ્યું હતું. રાજકોટની ૩૬૪ આંગણવાડીના બાળકોને પુરક પોષણ આહાર આપવા માટે ચોખા, તેલ અને ફોર્ટીફાઇડ આટા સરકાર દ્વારા પુરા પાડવામાં આવે છે.
મસાલાથી માંડી બળતણ સહિતનો સવાર, બપોરના નાસ્તા અને અઠવાડિયામાં બે વાર ફ્રુટ આપવામાં આવે છે. આ આંગણવાડીઓમાં ૧૮ હજાર બાળકો પુરક પોષણ આહારનો લાભ લે છે. હાલ આ કોન્ટ્રાકટ શ્રી ગણેશ મહિલા ગૃહ ઉદ્યોગ પાસે હતો. હવે પારસ એગ્રોને મંજૂરી અપાઇ છે.
સવારનો નાસ્તો પ્રતિ બાળક રૂા.૧.૯૩ લેખે અપાય છે. તેમાં વાહતુક, લીલા શાકભાજી, દળામણના ૮૦ પૈસા, તલ શીંગદાણાના પ૦ પૈસા, બળતણના ર૦ પૈસા, ચણા-તુવેરદાળના ૪૩ પૈસા ખર્ચ છે. બપોરના નાસ્તામાં ચણા- તુવેર દાળ સિવાય આ જ વસ્તુનો ખર્ચ રૂા.૩ છે જેમાં લીલા શાકભાજી સહિતના ૧.૨૦ અને તલ સીંગદાણાના રૂા.૧.૬૦ છે. અઠવાડિયામાં બે વખત સોમવાર અને ગુરૂવારે રૂા.૩.૧ર લેખે સીઝનલ ફ્રુટ આપવામાં આવે છે.

