વેરાવળમાં યુવતીએ એસિડ ગટગટાવી જીવન ટુંકાવી લીધું, કારણ અકબંધ
Rajkot
બે આપઘાતના બનાવો સામે આવ્યા છે, જેમાં ગોંડલના ૧૯ વર્ષીય યુવકે અને વેરાવળની ૧૮ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા અને એસિડ ગટગટાવી લેતા બંનેના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.
આ બનાવોને પગલે બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલના જેતપુર રોડ પર આવેલ વૃંદાવન પાંચ, શેરી નંબર ૩ માં રહેતા નિલેશ રવજીભાઈ પરમાર (ઉંમર વર્ષ ૧૯)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી અસર થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક નિલેશ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો અને ડ્રાઇવિંગનું કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા પણ ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઉલ્લેખનીય છે કે, હજુ માત્ર ૭ મહિના પહેલા જ નિલેશના મોટા ભાઈ જનકનું એક અકસ્માતમાં મોત થયું હતું. એ આઘાતમાંથી પરિવાર હજુ બહાર આવ્યો નહોતો ત્યાં જ નાના પુત્રએ પણ આ પગલું ભરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
બીજા બનાવમાં, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રહેતી ખુશ્બૂ જીતુસિંગ વાડોદરીયા (ઉંમર વર્ષ ૧૮) એ ગત તા. ૨૬ મે ના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણીએ દમ તોડ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક ખુશ્બૂ ‘ખુશી બ્યૂટી પાર્લર’માં કામ શીખતી હતી. તેના પિતા દાંતના ચોકઠા બનાવવાનું કામ કરે છે. ખુશ્બૂ બે ભાઈઓની એકની એક મોટી બહેન હતી. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બંને બનાવો અંગે સ્થાનિક પોલીસે નોંધ કરીને આપઘાત પાછળનું સાચું કારણ જાણવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

