Rajkot,તા.13
રાજકોટ મહાપાલિકાની ચુંટણીમાં ભાજપે છેલ્લી ઘડી સુધી ઉમેદવારો અંગે સસ્પેન્સ રાખ્યા બાદ ગઈકાલે રાત્રીના 8 વાગ્યે જાહેર કરેલા નામોમાં પણ પક્ષે ખુદે જે માપદંડ નિશ્ચિત કર્યા હતા તેમાં લાગતા વળગતાને `સાચવી’ લેવા માટે મોટાપાયે બાંધછોડ કરી હોવાનું ખુલતા જ કાર્યકર્તાઓ જેને જે તે વોર્ડ, મતદાર, જયાં હોય ત્યાં જ ટિકીટ દંડો પછાડીને કાપી નખાયા તેવો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ અનેક વોર્ડમાં ઉમેદવારોની પસંદગીમાં બાંધછોડ કરવામાં આવી છે તો પરિવારજનોને ટિકીટ નહી તેવો જે ક્રાઈટેરીયા અપનાવાયો તેમાં પણ બાંધછોડ થઈ છે જેના કારણે મોટા પાયે કાર્યકર્તાઓનો ઉત્સાહને બ્રેક લાગી છે.
વોર્ડ નં.17માં ભાજપે ડો. રીન્કલબેન ખોડીદાસ મેઘાણી ને ટિકીટ આપી છે પણ તેમાં વોર્ડ નં.18માં રહેતા હોવાનું કાર્યકર્તાઓમાં ચર્ચા છે. આ જ રીતે વોર્ડ નં.14માં ટિકીટ મેળવનાર અરુણાબેન જયેશભાઈ આડેસરા વોર્ડ નં.3માં રહેવાસી છે. આ જ રીતે મનીષ ભટ્ટ જેની ટિકીટ સૌથી ચર્ચામાં છે.
તેઓને પક્ષે વોર્ડ નં.8માં ટિકીટ આપી છે પણ તેઓ વોર્ડ નં.11માં રહે છે અને મતદાર તો વોર્ડ નં.7માં હોવાનું કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે. વોર્ડ નં.1ના પરેશ ઠાકર વોર્ડ નં.8ના રહેવાસી છે.
આ જ રીતે મીતલ લાઠીયાને અગાઉ વોર્ડ નં.14માં મીતલબેન લાઠીયાને ટિકીટ અપાઈ છે તેઓ અગાઉ વોર્ડ નં.12માં કોર્પોરેટર હતા. તેઓને વોર્ડ બદલવાની છુટ આપીને હવે તેઓને વોર્ડ નં.11માં ટિકીટ અપાઈ છે.
કેતન પટેલ પણ 14 નંબરમાં રીપીટ થયા છે તેઓ વોર્ડ નં.8માં રહે છે. માવજી ઉમેશભાઈ વાઘેલા જે 16 નંબરના વોર્ડની ચુંટણી લડે છે. તેઓ 8 નંબરમાં રહે છે અને કિર્તીબા રાણા જેઓ 16 નંબરમાં રહે છે. તેઓને 17માં ટિકીટ અપાઈ હોવાની ફરિયાદ કાર્યકર્તા કરી રહ્યા છે.
જરૂર પડે ત્યાં સગાવાદ પણ ચાલ્યા છે. અનેક નેતાઓના પુત્ર માટે ટિકીટ માંગી હતી. તેઓને લોહીના સંબંધ બતાવી ટિકીટ આપવાનો ઈન્કાર કરાયો. ધુરંધર ગોવિંદભાઈ પટેલ અને વિનુ ઘવાએ પક્ષનો આ નિર્ણય શીરોમાન્ય બન્યો પણ વોર્ડ નં.10માં ભાજપે ઘનશ્યામભાઈ હેરભાને ટિકીટ આપી છે.
તેમના સગાભાઈ હરેશભાઈ હેરભાએ જીલ્લા ભાજપમાં મહામંત્રી જેવા મહત્વના પદે છે અને તેઓને રિપીટ કરાયા છતા પરિવારમાં લોહીના સંબંધોની ચિંતા જે અનેક દાવેદારને નડી ગઈ તે હેરભા ફેમીલીને નડી નથી તેમાં કોના આશિર્વાદ તે ચર્ચા કાર્યકર્તામાં છે.

