Porbandar, તા.6
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ તરીકે વિશ્વભરમાં જાણીતા પોરબંદરના કિર્તીમંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રાજસ્થાનથી આવેલ એક મહિલા પ્રવાસી સાથે ચોરીની ઘટના બની છે.
રાજસ્થાનથી અન્ય યાત્રાળુઓ સાથે પોરબંદરના કિર્તીમંદિરના દર્શન માટે આવેલી મહિલા પરિસરમાં ફરી રહી હતી, ત્યારે અજાણ્યા શખ્સોએ તકનો લાભ લઈને તેના પર્સમાં બ્લેડથી કાપો મારી 10 હજારની રકમ ઉઠાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતા મહિલાએ તરત જ આસપાસના લોકો અને કિર્તીમંદિરના કર્મચારીઓને માહિતી આપી હતી. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે .
કે, જ્યારે આ મહિલા એ કિર્તીમંદિરના સ્ટાફને ફરિયાદ કરી ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે અહીંના સીસીટીવી કેમેરા હાલ બંધ છે. આ જવાબ સાંભળતા અન્ય યાત્રાળુઓમાં પણ નારાજગી ફેલાઈ ગઈ હતી. લોકોમાં પ્રશ્ન ઊભો થયો કે દેશના સૌથી મહત્વના ઐતિહાસિક સ્થળોમાંથી એક એવા કિર્તીમંદિરમાં જો સીસીટીવી કેમેરા જ બંધ હોય તો સુરક્ષાની જવાબદારી કોણ લેશે ? આ ઘટના બાદ સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
જોકે, યાત્રાળુઓના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા બદલે માત્ર સામાન્ય નોંધ લઈને કાર્યવાહી પૂર્ણ કરી દીધી હતી. આ બાબતને લઈને લોકોમાં અસંતોષ વધ્યો છે યાત્રાળુઓનું કહેવું છે કે કિર્તીમંદિર જેવા સ્થળે રોજ હજારો લોકો દેશ-વિદેશથી આવે છે. આવી જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવી જોઈએ, પરંતુ અહીં બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે.
ખાસ કરીને મહિલાઓ માટે આવી ઘટનાઓ ચિંતાજનક છે.આ ઘટના માત્ર એક ચોરીનો બનાવ નથી, પરંતુ શહેરની પ્રતિષ્ઠા સાથે જોડાયેલ મુદ્દો છે. જો આવી ઘટનાઓ વારંવાર બનશે તો પોરબંદર જેવા ઐતિહાસિક શહેરની છબીને પણ નુકસાન પહોંચી શકે છે.

