Gandhinagar, તા. 20
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીડો. પ્રદ્યુમન વાજાના નેતૃત્વમાં રાજ્ય સરકારે વર્ષ 2026-27 માટે રૂ. 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને વહીવટી મંજૂરી આપી છે.
આ નવી યોજના અંતર્ગત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ વાર્ષિક રૂ. 2.50 લાખથી રૂ. 6 લાખ સુધીની આવક ધરાવતા અનુસૂચિત જાતિના પરિવારોના અંદાજે 3 હજાર કુમાર વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. અત્યાર સુધી માત્ર રૂ. 2.50 લાખ સુધીની આવક ધરાવતા વિદ્યાર્થીઓને જ કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મળતો હતો. હવે રાજ્ય સરકારે મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને આવક મર્યાદામાં વધારો કર્યો છે.
વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની ગાઈડલાઈન મુજબ આ યોજના અમલમાં આવશે. પાત્ર વિદ્યાર્થીઓને એકેડેમિક એલાઉન્સ ઉપરાંત માન્ય નોન-રીફન્ડેબલ ફી પણ ચૂકવવામાં આવશે.
શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં DBT પદ્ધતિથી સીધી જમા કરવામાં આવશે. યોજનાની પાત્રતા મુજબ ધોરણ 10 અથવા 12 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમો માટે 50 ટકા કે તેથી વધુ ગુણ ફરજિયાત રહેશે. સ્નાતક અને ઉચ્ચ અભ્યાસ માટે પણ 50 ટકા કે તેથી વધુ ગુણનું ધોરણ જાળવવું પડશે.

