Mumbai,તા.૧૨
ભારતે સાઉથ આફ્રિકા સામે પહેલી મેચ જીત્યા બાદ મુલ્લાનપુરમાં રમાયેલી બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમના ટોસ બેટ્સમેન આ મેચમાં ચાલ્યા નહોતા મેચમાં શુભમન ગિલ સતત નિષ્ફળ રહેતા સંજુને કેમ તક મળી રહી નથી તેના પર સવાલો ઉઠી રહ્યા છે. આ મેચમાં ભારતને તાબડતોબ શરુઆતની જરુર હતી, પરંતુ ટીમ તેમ કરવામાં નિષ્ફળ રહી હતી, ભારતે પહેલી કટકમાં રમાયેલી મેચ ૧૦૧ રનથી જીતી હતી પરંતુ બીજી મેચ સાઉથ આફ્રિકાએ ૫૧ રનથી જીતી લીધી છે. આ મેચમાં શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્માનો ફ્લોપ શો ભારતને મોંઘો પડી ગયો હતો. ભારતીય ઓપનર શુભમન ગિલ પાછલા કેટલાક સમયથી ફ્લોપ રહ્યો છે જ્યારે સંજુ સેમસન કે જે સ્ફોટક બેટ્સમેન છે તે બહાર બેસી રહ્યો છે. સતત બીજી મેચમાં મોટા ખેલાડીઓ ફ્લોપ રહ્યા છે, જ્યારે સળંગ સેન્ચ્યુરી મારવાની તાકાત ધરાવતો સંજુ સેમસન બહાર બેઠો છે, આવામાં તેને ક્યારે અને કેવી તક મળે છે તે પ્રશ્ન મહત્વનો બની રહ્યો છે. કારણ કે હાલ શુભમન ગિલ ટી૨૦ જે પ્રકારે બેટિંગ કરી રહ્યો છે તેની સામે સંજુ સેમસનના આંકડા વધારે મજબૂત અને ટીમના હિતમાં દેખાઈ રહ્યા છે.
ભારતના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલે પોતાની ટેકનિકમાં કરેલા કેટલાક ફેરફારોનો ફાયદો નાના ફોર્મેટમાં દેખાતો નથી, જેનાથી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ઇચ્છિત લાભ મળી રહ્યો નથી. ઇંગ્લેન્ડમાં કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ શ્રેણીમાં ૭૫૪ રન બનાવનાર આ બેટ્સમેન ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ફોર્મમાં નથી. શુભમન ગિલને ભારતીય ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ટીમના વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ, અભિષેક શર્મા અને સંજુ સેમસનની ઓપનિંગ જોડી તૂટી ગઈ છે. વધુમાં, સંજુ સેમસન હવે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર છે. કટકમાં દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં તેને બહાર રાખવામાં આવ્યો હતો. મુલ્લાનપુર, ન્યૂ ચંદીગઢમાં આજની બીજી મેચમાં પણ તેને સ્થાન મળે તેવી શક્યતા ઓછી હતી અને તેવું જ થયું હતું. દરમિયાન, શુભમન ગિલનું ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ઘટતું ફોર્મ પણ તપાસ હેઠળ છે.
ભારતીય વાઈસ કેપ્ટન શુભમન ગિલ પર ઓપનર તરીકે વધુ સારું પ્રદર્શન કરવાનું દબાણ વધી રહ્યું છે, જે તેના રમતમાં સ્પષ્ટ દેખાય છે. ગિલ પોતે જાણે છે કે યશસ્વી જયસ્વાલ જેવા વિસ્ફોટક બેટ્સમેન ટીમની બહાર છે ત્યારે તેને આ ફોર્મેટમાં કેવી રીતે એડજસ્ટ થવાની ફરજ પડી છે. રેકોર્ડ્સ પર નજર નાખતા ખબર પડે છે કે ગિલે તેની છેલ્લી ૧૬ ટી ૨૦ ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી નથી. આ સમયગાળા દરમિયાન આઠ ઇનિંગ્સમાં તે ૧૫ કે તેથી ઓછા રનમાં આઉટ થયો છે. બીજી તરફ, સંજુ સેમસન, ઓપનર તરીકે તેની છેલ્લી ૧૨ ઇનિંગ્સમાં ત્રણ સદી ફટકારી છે.ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ ટી૨૦ સેટઅપમાં શુભમન ગિલના સ્થાન અને તેના વર્તમાન ફોર્મ પર સવાલ ઉઠાવ્યા છે. આકાશ ચોપરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દલીલ કરે છે કે ગિલ ખૂબ પ્રયાસ કરવાને કારણે નિષ્ફળ જઈ રહ્યો છે. બીજી તરફ સ્થિતિ એવી બની છે કે, ગિલ ફોર્મમાં નથી ત્યારે ફક્ત સંજુ અને યશસ્વી જ નહીં, પરંતુ અભિષેક શર્મા પણ દબાણ હેઠળ છે. પહેલી બે મેચમાં શુભમન ગિલ માત્ર ૪ રન બનાવી શક્યો છે, જેમાં પહેલી મેચમાં તેણે ૨ બોલમાં ૪ બનાવ્યા હતા, જ્યારે બીજીમાં ૦ પર આઉટ થઈ ગયો હતો.

