કોઇ શત્રુને નષ્ટ કરવા માટે તેનાં રહેવાનાં સ્થાનોની જાણકારી આવશ્યક છે,એટલા માટે ભગવાન આગળના શ્ર્લોક(૩/૪૦)માં જ્ઞાનીઓના નિત્ય વેરી ‘કામ’નાં રહેવાનાં સ્થાનો બતાવે છે.
ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિરસ્યાધિષ્ઠાનમુચ્યતે
એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ્
(ઇન્દ્રિયાણિ-ઇન્દ્રિયો, મનઃ-મન, બુદ્ધિઃ-બુદ્ધિ એ સર્વ, અસ્ય-આ કામનાનાં, અધિષ્ઠાનમ્-નિવાસસ્થાન, ઉચ્ચતે-કહેવાય છે, એષઃ-આ કામના, એતૈઃ-આ ઇન્દ્રિયો,મન અને બુદ્ધિ દ્વારા, જ્ઞાનમ્-જ્ઞાનને, આવૃત્ય-ઢાંકી દઇને, દેહિનમ્-દેહાભિમાની મનુષ્યને, વિમોહયતિ-મોહિત કરે છે.)
ઇન્દ્રિયો,મન,બુદ્ધિ એ સર્વ આ કામનાનાં નિવાસસ્થાન કહેવાય છે,આ કામના આ ઇન્દ્રિયો,મન અને બુદ્ધિ દ્વારા જ્ઞાનને ઢાંકી દઇને દેહાભિમાની મનુષ્યને મોહિત કરે છે.
ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિરસ્યાધિષ્ઠાનમુચ્યતે-હવે તેઓ ‘કામ’ કે જે ‘જ્ઞાન’ને આચ્છાદિત કરી સમગ્ર જગતનો શત્રુ બને છે તેના નિવાસ્થાન ક્યાં ક્યાં છે તેની વાત કરે છે.શત્રુનો નિવાસ ક્યાં છે તે જાણી લઇએ એટલે તેને હણવાનું સુગમ બને છે.કામ પાંચ સ્થાનોમાં દેખાય છેઃપદાર્થોમાં,ઇન્દ્રિયોમાં,મનમાં, બુદ્ધિમાં અને માનેલા અહમ્ ‘હું’ એટલે કે કર્તામાં.આ પાંચ સ્થાનોમાં દેખાવા છતાં પણ કામ વાસ્તવમાં માનેલા ‘અહમ્’ માં જ રહે છે.
ઇન્દ્રિયોમાં રહેલો કામ ઇન્દ્રિયોના સંપર્કમાં આવવાથી જાગૃત થઇ જાય છે એટલે સાધકે વિકારી તત્વોથી બચવું જોઇએ.ઇન્દ્રિયો વિકારી તત્વોના સંપર્કમાં ન હોય તો પણ મન વિકારી ચિંતન કરે તો પણ કામ જાગૃત થઇ જાય છે,તેનું નામ ‘મન્મથ’ છે,મનને મથી નાખનારો છે.ભલે સાતમા પાતાળમાં પ્રવેશીને ઘોર એકાંતમાં માણસ બેઠો હોય તો પણ મનનું ચિંતન ત્યાં પણ થતું જ હોય છે,તેથી તે જાગી ઉઠે છે,ઉપર બુદ્ધ અને અંદર યુદ્ધ જેવી તેની દશા થતી હોય છે.મન કરતાં પણ બુદ્ધિનો કામ વધુ ભયંકર હોય છે.મન તો પાણીના પરપોટાની માફક ઇચ્છાઓ ઉઠે અને શમી જાય છે,પણ કામ જ્યારે બુદ્ધિમાં વસે છે ત્યારે તે શમતો નથી,યોજના બનાવે છે.કેવી રીતે કામ મેળવવો,કેવી રીતે ભોગવવો વગેરેની બુદ્ધિપૂર્વકની પુરી યોજના બનાવે છે,તેની આવી યોજનાથી બુદ્ધિ બગડે છે અને બુદ્ધિ બગડવાથી જીવન બગડે છે.
‘કામ’ને માનસિક શાંતિ અને સંતોષને લૂંટનારા શત્રુ તરીકે ઓળખાવાથી,રાજકુમાર અર્જુનને પણ સૈનિકની જેમ તેના દુશ્મનના ગુપ્ત આશ્રયસ્થાન વિશે જાણવાની ઇચ્છા હતી.ભગવાન શ્રી કૃષ્ણ અધ્યાત્મિક ગુરૂ છે એટલે તેમણે પોતાના સાહસી શિષ્યને જણાવવું જોઈએ કે આ શેતાનનો અડ્ડો ક્યાં છે જ્યાંથી તે પોતાની અધમ પ્રવૃત્તિઓની યોજના કરે છે.આંતરિક શત્રુ ‘કામ’ના ગુપ્ત આશ્રયસ્થાનનો નિર્દેશ કરતાં ભગવાન કહે છે કે ‘ઇન્દ્રિયો-મન અને બુદ્ધિને તેના નિવાસસ્થાન કહેવાય છે’.કોઈ રીઢો ગુંડો જેની પાસે ગુંડાઓની ટોળકી છે તે જ્યારે કોઈ મોટા વિસ્તારમાં પોતાનું રાજ્ય જમાવે ત્યારે એક કરતાં વધુ સ્થાનમાંથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે.આપણા આંતરજીવનમાં સુખ-શાંતિનો નાશ કરવા માટે ‘કામ’ જે ત્રણ સ્થાનોમાંથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવે તેનો અહીં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે.
વિષયોના જગતમાં સ્વછંદપણે વિચરતી ઇન્દ્રિયો કામની પ્રવૃત્તિ માટે એક અત્યંત અનુકૂળ ક્ષેત્ર છે. બાહ્ય વિષયોના ઉદ્દીપનો જ્યારે ઇન્દ્રિયો દ્વારા મન સુધી પહોંચે છે ત્યારે મન પણ ઇચ્છાઓમાંથી જન્મતા શોકનું ઉત્પત્તિ સ્થાન બને છે.અંતમાં બુદ્ધિ જે ભૂતકાળમાં અનુભવેલા ભોગોની સ્મૃતિમાં અને પોતે સેવેલી આસક્તિમાં રાચે છે તે પણ કામની પ્રવૃત્તિ માટેનો સલામત અડ્ડો બની જાય છે.ભ્રમિત થયેલો અહંકાર મૂઢતાથી દેહ સાથે તાદાત્મ્ય સેવવાથી ઈન્દ્રિયોના ભોગ ભોગવવા લલચાય છે.અવિચારીપણે પોતે મન સાથે તાદાત્મ્ય સાધીને વધુ ને વધુ ભાવાત્મક તૃપ્તિ અનુભવવા આતુર રહે છે અને છેલ્લે બુદ્ધિ સાથેના તાદાત્મ્યથી તે ઇન્દ્રિયભોગોના અને માનસિક આનંદના અનુભવોનું સ્મરણ કરી તેમાં પુનઃ રાચવાનું આયોજન કરે છે.કામના આ ત્રણ આશ્રયસ્થાનો શોધી વળીએ તો અંતે પ્રત્યક્ષ મુકાબલો થાય છે.
તમામ ક્રિયાઓ શરીર,ઇન્દ્રિયો,મન અને બુદ્ધિ દ્વારા જ થાય છે.આ ચારેય કર્મ કરવાનાં સાધનો છે. વાસ્તવમાં કામ અહમ્ જડ-ચેતનના તાદાત્મયમાં જ રહે છે. ‘અહમ્’ એટલે કે ‘હું’પણું કેવળ માનેલું છે.હું અમુક વર્ણ,આશ્રમ અને સંપ્રદાયવાળો છું-આ ફક્ત માન્યતા છે.માન્યતા સિવાય એનું કોઇ બીજું પ્રમાણ નથી.આ માનેલા સબંધમાં જ કામના રહે છે.કામનાથી જ બધાં પાપ થાય છે.પાપો તો ફળ આપીને નષ્ટ થઇ જાય છે પરંતુ ‘અહમ્’માંથી કામના દૂર થયા વિના નવાં-નવાં પાપો થતાં રહે છે,એટલા માટે કામના જ જીવને બાંધવાવાળી છે.
મહાભારતના શાંતિપર્વ(૨૫૧/૭)માં કહ્યું છે કે..‘જગતમાં કામના જ એકમાત્ર બંધન છે,બીજું કોઇ બંધન નથી.જે કામનાના બંધનથી છુટી જાય છે તે બ્રહ્મભાવ પ્રાપ્ત કરવામાં સમર્થ થઇ જાય છે.
એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ્-કામનાના કારણે મનુષ્યે જે કરવું જોઇએ તે કરતો નથી અને જે ના કરવું જોઇએ તે કરી બેસે છે.આ રીતે કામના દેહાભિમાની પુરૂષને મોહિત કરી દે છે.બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કે કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધથી સંમોહ ઉત્પન્ન થાય છે.(૨/૬૨-૬૩) આનાથી એ સમજવું જોઇએ કે કામનામાં વિઘ્ન પહોંચતાં તો ક્રોધ ઉત્પન્ન થાય છે પરંતુ જો કામનામાં વિઘ્ન ના પહોંચે તો કામનાથી લોભ અને લોભથી સંમોહ ઉત્પન્ન થાય છે.એનો અર્થ એ થાય કે કામનાથી પદાર્થો ના મળે તો ક્રોધ ઉત્પન્ન થાય છે અને પદાર્થો મળે તો લોભ ઉત્પન્ન થાય છે.તેમનાથી પછી મોહ ઉત્પન્ન થાય છે. કામના રજોગુણનું અને મોહ તમોગુણનું કાર્ય છે.રજોગુણ અને તમોગુણ પાસે-પાસે રહે છે,આથી કામ,ક્રોધ, લોભ અને મોહ પાસે-પાસે રહે છે.કામ ઇન્દ્રિયો,મન અને બુદ્ધિના દ્વારા દેહાભિમાની પુરૂષને મોહિત કરી દે છે.આ રીતે કામ રજોગુણનું કાર્ય હોવાછતાં પણ તમોગુણનું કાર્ય મોહ બની જાય છે.
જીવાત્માને ખરામાં ખોટું અને ખોટામાં ખરૂં દેખાવા લાગે છે આનું નામ જ મોહ કહેવાય છે.આવો મોહિત જીવાત્મા ખોટા માર્ગને જ ખરો માર્ગ માનીને તે રસ્તે ધમધોકાર ચાલવા લાગે છે આનું નામ જ જીવનવિનાશ કહેવાય.
કામના ઉત્પન્ન થતાં મનુષ્ય પહેલાં ઇન્દ્રિયો વડે ભોગ ભોગવવાની કામના કરે છે.પહેલાં તો ભોગ પદાર્થો મળતા નથી અને મળી જાય તો ટકતા નથી,એટલા માટે તેમને કોઇપણ રીતે પ્રાપ્ત કરવા માટે તે મનમાં ભાતભાતની કામના કરે છે.બુદ્ધિમાં તેમને પ્રાપ્ત કરવાને માટે ભાતભાતના ઉપાયો વિચારે છે.આ રીતે કામના પહેલાં ઇન્દ્રિયોને સંયોગજન્ય સુખના પ્રલોભનમાં લગાડે છે પછી ઇન્દ્રિયો મનને પોતાની તરફ ખેંચે છે અને ત્યારપછી ઇન્દ્રિયો અને મન મળીને બુદ્ધિને પણ પોતાની તરફ ખેંચી લે છે.આ રીતે કામ દેહાભિમાનીના જ્ઞાનને ઢાંકીને ઇન્દ્રિયો,મન અને બુદ્ધિના દ્વારા પોતાની તરફ ખેંચી લે છે.આ રીતે કામ દેહાભિમાનીના જ્ઞાનને ઢાંકીને ઇન્દ્રિયો,મન અને બુદ્ધિના દ્વારા તેને મોહિત કરી દે છે તથા તેને પતનના ખાડામાં નાખી દે છે.
એ સિદ્ધાંત છે કે નોકર સારો હોય પણ માલિક તિરસ્કારપૂર્વક તેને કાઢી મૂકે તો પછી તેને સારો નોકર નહી મળે,એવી જ રીતે માલિક સારો હોય પણ નોકર તેનો તિરસ્કાર કરી દે પછી તેને સારો માલિક નહી મળે,એ જ રીતે મનુષ્ય પરમાત્માપ્રાપ્તિ કર્યા વિના શરીરને સાંસારીક ભોગ અને સંગ્રહમાં જ ખોઇ દે તો પછી તેને મનુષ્ય શરીર નહી મળે.અંતઃકરણ અશુદ્ધ થવાથી સારી વસ્તુનો તિરસ્કાર થાય છે અને અંતઃકરણ અશુદ્ધ થાય છે કામનાથી,એટલા માટે સૌથી પહેલાં કામનાનો નાશ કરવો જોઇએ.
દેહિનમ્ વિમોહ્યતિ-નો અર્થ એ છે કે કામ દેહાભિમાની પુરૂષને જ મોહિત કરે છે.શરીરને હું અને મારૂં માનવાવાળો જ દેહાભિમાની હોય છે.ભગવાને પોતાના ઉપદેશના આરંભમાં શરીર અને આત્માનું વિવેચન કરેલ છે.(૨/૧૧-૩૦) શરીર અને આત્મા બંન્ને અલગ-અલગ છે-આ બધાનો અનુભવ છે.આ કામ જ્ઞાનને ઢાંકીને આત્માના શુદ્ધ સ્વરૂપને નહી પરંતુ દેહ સાથે પોતાનો સબંધ માનવાવાળા દેહાભિમાનીને બાંધે છે.જે દેહની સાથે પોતાનો સબંધ માનતો નથી તેને તે બાંધી શકતો નથી.દેહને ‘હું’ ‘મારો’ અને ‘મારે માટે’ માનવાથી જ મનુષ્ય ઉત્પત્તિ વિનાશશીલ જડ વસ્તુઓને મહત્વ આપે છે,જેથી તેમાં જડતાનો રાગ ઉત્પન્ન થઇ જાય છે.રાગ ઉત્પન્ન થતાં જડતા સાથે સબંધ થઇ જાય છે.જડતા સાથે સબંધ થતાં જ કામના ઉત્પન્ન થાય છે.કામના ઉત્પન્ન થતાં જીવ મોહિત બનીને સંસારના બંધનમાં બંધાઇ જાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

