America,તા.19
કેલિફોર્નિયાના સેન ડિયેગોની મસ્જિદની બહાર બે તરૂણોએ અંધાધુંધ ફાયરીંગ કરીને ત્રણ લોકોની હત્યા કરી નાખી હતી અને બાદમાં બન્ને તરૂણોએ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ આ મામલાની `હેટ ક્રાઈમ’ એટલે કે નફરતના કારણે કરવામાં આવેલ અપરાધ તરીકે તપાસ કરી રહી છે. આ ઘટના પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે દુઃખ વ્યકત કરી ઘટનાને ભયાનક ગણાવી હતી અને ઘટનાની ઉંડાણથી તપાસ થશે તેમ જણાવ્યું હતું.
આ હુમલો સોમવારે બપોર બાદ થયો હતો. સેન ડિયેગોનું આ સૌથી મોટું ઈસ્લામિક સેન્ટર છે. ફાયરીંગનો અવાજ સાંભળતા ત્યાં હાજર લોકો અને છાત્રોમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે તરત ઘટનાસ્થળે મોરચો સંભાળી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે મસ્જિદ પરિસરમાં ચાલી રહેલી સ્કૂલના બધા બાળકો સુરક્ષિત છે અને કોઈ ઘાયલ નથી.
ઈમારતની બહાર ત્રણ લોકો મૃત મળ્યા હતા. પોલીસ અધિકારીઓએ મૃત સુરક્ષા કર્મીની બહાદુરીની પ્રશંસા કરી હતી. સુરક્ષા કર્મીએ પોતાના જીવને જોખમમાં મુકીને મોટો કત્લેઆમ રોકયો હતો.
પોલીસને હુમલા બાદ પાસે ઉભેલી કારમાં હુમલાખોર બે તરૂણોના મૃતદેહો મળી આવ્યા હતા. બન્નેની વય 17થી 19 હતી. બન્નેએ મસ્જિદ પર હુમલો કર્યા બાદ ખુદને ગોળી મારી આપઘાત કર્યો હતો.
તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. બન્ને તરૂણો માતા-પિતાના ઘેરથી હથિયાર લઈ આવ્યા હતા. તેમણે સુસાઈડ નોટ પણ છોડી હતી, જેમાં વંશીય ગૌરવની વાત હતી. એક હથિયાર પર નફરતભર્યો સંદેશો હતો.

