Rajkot, તા.18
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુધ્ધની અસર લગભગ તમામે તમામ ક્ષેત્રોમાં વર્તાવા લાગી છે. ખાસ કરીને ઔદ્યોગિક એકમોને મરણતોલ ફટકો લાગવાનું શરુ થયું હોય તેમ શહેરની ભાગોળે શાપરની હદથી ગોંડલ સુધીના પટ્ટામાં રહેલા 800 થી 1000 એકમોમાં અઘોષિત શટડાઉનની હાલત સર્જાઇ છે. એલપીજીની સપ્લાય બંધ હોવાના કારણોસર અનિવાર્ય હીટ ટ્રીટમેન્ટ શક્ય ન થવાના કારણોસર ઉત્પાદન અટકી પડ્યું છે અને અનેકવિધ અસર થઇ છે.
મોરબીમાં દેશના સૌથી મોટા સિરામીક ઉદ્યોગમાં એક મહિનાનું શટડાઉન જાહેર કરાયાના પગલે ઉદ્યોગોથી માંડીને સરકાર સુધી તમામ વર્ગોમાં જોરદાર ચર્ચા જામી છે તેવા સમયે રાજકોટમાં પણ શટડાઉનની સ્થિતિ હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ખાસ કરીને શાપરની હદથી ગોંડલ સુધીમાં આવેલી વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગો બંધ પડી ગયાની હાલતમાં આવી ગયા છે.
રાજકોટના ઉદ્યોગ જગતમાં મોટું નામ ધરાવતા સિનોવા ગીયર્સના જમનભાઇ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે શાપર-વેરાવળ સુધી પાઇપલાઇન મારફત ઉદ્યોગોને પીએનજી સપ્લાય થાય છે પરંતુ ત્યાર પછી ગોંડલ સુધીના વિસ્તારોમાં પાઇપ લાઇન નથી અને ઉદ્યોગોને સીલીન્ડર મારફત ગેસ આપવામાં આવતો હોય છે.
ગત તા.3 માર્ચથી આ એલપીજીની સપ્લાય અટકાવી દેવામાં આવી છે એટલે ગોંડલ સુધીના પટ્ટામાં કાર્યરત ઉદ્યોગોને મરણતોલ ફટકો છે. શાપર થી ગોંડલ સુધીમાં હડમતાળા, ભુળાવા, રીબડા, રાવકી સહિતની ઔદ્યોગિક વસાહતો જાણીતી છે અને અંદાજીત 800 થી 1000 ઉદ્યોગો ધમધમે છે અને તેમાં એક લાખ જેટલા લોકોને રોજગારી પુરી પાડવામાં આવે છે.
સિનોવા ગીયર્સ, કોગ્નોવા, શક્તિમાન, કેપ્ટન ટ્રેક્ટર્સ સહિતના જાણીતા એકમો સહિત 800થી વધુ ઉદ્યોગો આ વિસ્તારમાં કાર્યરત છે. તેમના કહેવા પ્રમાણે ફોર્જીંગ, કાસ્ટીંગ, ઓટોમોટીવ સહિતના ઉદ્યોગોને ફાઇનલ પ્રોડક્ટ વખતે હિટ ટ્રીટમેન્ટ ફરજિયાત હોય છે.
ગેસ મારફત જ તે પ્રક્રિયા થતી હોય છે પરંતુ ગેસ ન મળવાના કારણોસર સંપૂર્ણ પ્રક્રિયા અટકી ગઇ છે. ત્રીજી માર્ચથી ગેસ સપ્લાય બંધ થયા બાદ પડતર કાચા માલના આધારે સેમી પ્રોડ્ક્ટ બનાવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું પરંતુ હવે સંખ્યાબંધ કારખાનાઓમાં શટડાઉન જેવી જ હાલત પ્રવર્તી રહી છે. કારણ કે ગેસ ઉપલબ્ધ નથી.
તેમણે જણાવ્યું હતું કે શાપરથી ગોંડલ સુધીના ઔદ્યોગિક પટ્ટામાં દૈનિક 30 થી 40 ટન એલપીજીનો વપરાશ થતો હોય છે અને યુધ્ધ શરુ થયા સુધી સરળતાથી સપ્લાય ચાલુ હતી પરંતુ છેલ્લા દિવસોમાં તે અટકી જવાના કારણે છેલ્લા 12 દિવસથી ઉદ્યોગોને મરણતોલ ફટકો છે. અબજો રુપિયાનું ટર્નઓવર ખોરવાઇ જવાની અને સમયસર માલની ડીલીવરી શક્ય નહીં બનવાની સ્થિતિ ઉભી થઇ છે.
પાઇપલાઇનની જેમ સિલિન્ડરમાં પણ ઉદ્યોગોને 80 ટકાની સપ્લાય આપવા માંગણી
ઉદ્યોગકારોએ એવી માંગણી કરી છે કે પાઇપ લાઇન મારફત ઔદ્યોગિક ગેસ વાપરતા ઉદ્યોગોને સરકાર દ્વારા 80 ટકા ગેસ આપવામાં આવી રહ્યો છે પરંતુ સીલીન્ડર મારફત ગેસ મેળવતા ઉદ્યોગોને કોઇ સપ્લાય થતી નથી.
આ સંજોગોમાં પાઇપલાઇન ગેસના ધોરણે સીલીન્ડરથી ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગોને પણ 80 ટકાની સપ્લાય આપવાની માંગ કરવામાં આવી છે. ગેસ કંપનીની સાથોસાથ સરકારને પણ આ બારામાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગેસની સ્થિતિમાં કોઇ સુધારો ન થાય તો આવતા દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસવાની ભીતિ છે.
ઔદ્યોગિક ગેસમાં પણ ભાવ વધારોઃ આરગન ગેસનો ભાવ 110વાળો 180
ઉદ્યોગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું કે ગેસની સપ્લાય કટોકટીની સાથોસાથ ભાવ મોરચે પણ પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. પાઇપલાઇનથી ઔદ્યોગીક ગેસ મેળવતા ઉદ્યોગોને 80 ટકા ગેસ આપવામાં આવી રહ્યો છે.
એક મહત્વની બાબત એ પણ છે કે, ગેસના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. આરગન ગેસ યુધ્ધની શરુઆતના સમયમાં પ્રતિ ક્યુબીક મીટર 110ના ભાવે ઉપલબ્ધ હતો તેના હવે 180 રુપિયા થઇ ગયા છે. ઉદ્યોગોને ઉત્પાદનમાં મોટો માર પડે તે સ્વભાવિક છે.

